સાબરમતી બે કાંઠેઃ કિનારાનાં ૪૦ ગામને એલર્ટ કરાયાં

548

બે વર્ષથી ચોમાસામાં પણ કોરી ધાકોર રહેલી સાબરમતી નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પાણી આવતા નદી કિનારાના ૪૦ ગામોને એટર્લ કરાયા છે. ઉપરાંત નદી કિનારાની નજીક રહેતા પરિવારોનું સ્થળાંતર કરવા તલાટીઓને સુચના આપી છે. ઉપરાંત ટીડીઓ અને મામલતદારને તકેદારી રાખીને રિપોર્ટ લેવા ડીડીઓએ આદેશ કર્યો છે.

ગત વર્ષે નબળા ચોમાસાના લીધે સાબરમતી નદીમાં પાણી ન આવતાં નદી કિનારાના ગામોમાં હતાશા જોવા મળતી હતી. ઉપરાંત આખુ વર્ષ નદીમાં પાણી વહેતું રહે તેવી પ્રાર્થના લોકો કરતા હતા. ચાલુ વર્ષે જાણે પ્રાર્થના ફળી હોય તેમ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતીમાં પાણી આવતા નદી કિનારાના ગામોમાં હરખની હેલી જોવા મળી છે. સાબરમતીમાં પાણી આવતા લાકરોડા ચેકડેમ ભરાવાથી આસપાસના ગામના ભુર્ગભજળ ઉંચા આવશે તેવી સ્થાનિકોમાં આશા જીવંત બની છે.

નદીમાં પાણી આવ્યું તે અંગે જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલને પુછતા જણાવ્યું છે કે નદી કિનારાના ૪૦ ગામોમાં તકેદારી રાખવાની ટીડીઓ અને મામલતદારને સુચના આપી છે. ગામના જે વિસ્તારમાં આવતું હોય તેવા વિસ્તારોને ખાલી કરાવીને સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની સરપંચ અને તલાટીઓને સુચના આપી છે. ઉપરાંત નદીમાં પાણીનું સ્તર વધે તો તે અંગે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને રિપોર્ટ કરવાનો રહેશે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સાબરમતી નદીમાં પાણી આવ્યું છે. સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં વહેતું થયેલું પાણી તારીખ ૧૨મીની સવાર પહેલા ગાંધીનગર આવી જશે. તેથી નદીકાંઠાના ગામોમાં પાણી પ્રવેશી ન જાય તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. સુક્કી ભઠ્ઠ સાબરમતી નદીમાં પાણી આવ્યું છે. જોકે ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ રહે તો ગત વર્ષે પાણી વિના ખાલી રહેલું સંત સરોવર ચાલુ વર્ષે પાણીથી છલોછલ થવાની શક્યતા રહેલી છે. સારા વરસાદથી હાલ જિલ્લા વાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.

Previous articleવાલીએ મારું ગળું પકડી ઝાપટ મારી, આચાર્યએ ધમકી આપી
Next articleસંભવિત રોગચાળો જામવા સમયે જ GMCની ફૂડ બ્રાન્ચ આરામમાં