ચોમાસુ માહોલમાં મહાપાલિકા વિસ્તારમાં મચ્છર જન્યની સાથે હવા અને પાણીજન્ય રોગચાળો માથું ઉંચકે તેવો સમય આવી ગયો છે. પરંતુ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ હાથ પર હાથ ધરીને બેઠી છે.
છેલ્લા દોઢ મહિનાથી આ શાખાના અધિકારી, કર્મચારીઆ ેએ કોઇ કામગીરી કરી નથી. ત્યારે નોંધવું રહેશે કે ઝાડા ઉલટી અને કોલેરા થવા પાછળ વાસી ખોરાક અને ભેળસેળિયા ખાદ્ય સામગ્રી મોટો ભાગ ભજવે છે.
ફૂડ બ્રાન્ચ પાસે સ્થળ તપાસ કરીને ખાદ્ય સામગ્રીના નમુના લેવા અને પરવાના આપવા સિવાયની મહત્વની અન્ય કામગીરી હોતી નથી. આમ છતાં છેલ્લા થોડા સમયથી બહારી કામગીરી પર મીંડુ મુકી દેવાયું છે, જે હાલના વરસાદી અને રોગચાળાના દિવસોમાં અનિવાર્ય ગણવામાં આવે છે.
સમગ્ર જિલ્લામાં પણ આ પરિસ્થિતિ છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ જિલ્લામાં કોઇ કામગીરી કરવામાં આવી નથી. લોકો તહેવારના દિવસોમાં બહાર ખાવાનું અને બહારનું ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે મહાપાલિકા વિસ્તારમાં આવેલી સેંકડો હોટલ અને રેસ્ટોરન્ટ, ફૂડકોર્ટ અને ખાણી પીણીના લારી ગલ્લાઓ પર તપાસના નામે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવી રહ્યાની બાબત નગરવાસીઓ માટે ગંભીર બિમારીઓને આમંત્રણ આપવા સમાન પૂરવાર થાય તો નવાઇ પામવા જેવું રહેશે નહીં. આ મુદ્દે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓ પર સમયાંતર તપાસ જરૂરી છે અને આ મુદ્દે ફૂડ બ્રાન્ચનો રિપોર્ટ માગવામાં આવશે.