કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫છ નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશત અને આઈબીના એલર્ટના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આગામી ૧૫મી ઓગસ્ટે ઉજાનાર સ્વતંત્રતા પર્વને લઈ યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા સઘન કરી દેવાઈ છે.
અંબાજી મંદિર ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતું મંદિર છે. અહીં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે. મંદિર અને અંબાજીમાં લોકો ભીડ રહેતી હોવાથી. કોઈ અસામાજિક તત્વો પગ પેસારો કરી ન જાય કે કોઈ હુમલા જેવી ઘટનાને અંજામ ન આપે તે માટે મંદિરના તમામ પોઇન્ટ ઉપર પોલીસ કર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.ચૌધરીએ જણાવ્યું હતું કે, આધુનિક હથિયારો સહિત પોલીસ કર્મીઓ ફરજ પ્રત્યે સતર્ક કરી દેવામાં આવ્યા છે. સાથે જ સુરક્ષા કર્મીઓની સલામતી માટે પણ મંદિર પરિસરમાં ૫ નવા મોરચા બનાવવામાં આવ્યા છે. જ્યાં બી ડી ડી એસ સહિત કયુઆરટી ટીમો સઘન તપાસ કામગીરી કરી રહી છે.