ગુજરાતના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદ  : ૫૧ જળાશય એલર્ટ પર

656

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ અનેક વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઉલ્લેખનીય વરસાદ થયો છે જે પૈકી ભાવનગરમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. ધોલેરા હાઈવે આજે સતત ત્રીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યો છે. બીજી બાજુ સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં ડુબવાથી બેના મોત થયા હતા. આની સાથે જ વરસાદ સંબંધિત બનાવોમાં મોતનો આંકડો ગુજરાતમાં વધ્યો છે. મોતનો આંકડો ગુજરાતમાં ૩૫ ઉપર પહોંચ્યો છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની ચેતવણી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાનો દોર જારી રહી શકે છે. ગુજરાતમાં વરસાદી માહોલ હાલમાં જામેલો છે. આવી સ્થિતિમાં તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ થયેલું છે. બીજી બાજુ હાલમાં જે વિસ્તારમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી ત્યાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ૫૧ જળાશયો હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો કુલ ૮૪ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ગુજરાતના ૨૦૪ ડેમોમાંથી રવિવાર સુધીમાં ૪૮ ડેમોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. એક માત્ર ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં પાણીનો ખાસ સંગ્રહ થયો નથી. અહીંના ડેમોમાં અત્યારે ૧૯.૨૯ ટકા જળસંગ્રહ છે.

મોટાભાગના ડેમોમાં ૯૦ ટકા કરતાં વધુ પાણી સંગ્રહ થઈ ચૂક્યો છે. એ જ રીતે ૯ ડેમોમાં ૮૦થી ૯૦ ટકા પાણી હોવાથી એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો ૭૦થી ૮૦ ટકા વાળા ૬ ડેમો પર વોર્નીંગ અપાઈ છે. જે ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તેમાં મચ્છુ ૨, મચ્છુ ૧, ઓઝત, ન્યારી ૨ વગેરેનો સમાવેશ થાય છે. આજી, કડાણા, સુખી, પાનમ વગેરે ડેમો એલર્ટ પર છે. ગુજરાતના ૨૦૪ ડેમોમાં ૬૭.૦૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં ૭૭.૧૭ ટકા પાણી સંગ્રહિત છે. રાજયના ૨૧૦થી વધુ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો હતો. જયારે રાજયભરમાં નોંધાયેલા સાર્વત્રિક વરસાદ અને ભરાયેલા પાણી તેમ જ તૂટી ગયેલા રસ્તાઓ અને ધોવાણના કારણે કુલ ૨૧૫થી વધુ રસ્તાઓ હજુ બંધ છે. જેના કારણે વાહનચાલકો અને આ રસ્તાઓના ઉપયોગ કરનારાઓને થોડીઘણી હાલાકીનો ભોગ બનવું પડયુ હતું. તો, રાજયભરમાં એસટી નિગમની સેંકડો ટ્રીપો આજે પણ રદ રહેવા પામી હતી. જેમાં મોરબી, ટંકારા સહિત સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુની ટ્રીપો સૌથી વધુ બંધ રહી હતી. હજુ પણ ગુજરાતમાં વરસાદી સીસ્ટમ સક્રિય હોવાથી આજે સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારબાદ આવતીકાલે રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડશે. આવતીકાલે તા.૧૩ અને ૧૪ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Previous articleજમ્મુ કાશ્મીરના પ્રશ્ને એકીકરણનું સપનું પૂર્ણ થયું છે : મનસુખ માંડવીયા
Next articleહિરા ઉદ્યોગ ક્ષેત્રે રશિયા સાથે ભાગીદારી ઉપયોગી : રૂપાણી