ગાંધીનગરમાં પાણીની તંગી જોવા મળી રહી છે. સેકટર ૨૬માં પીવાના પાણીની બુમરાણ મચી છે. અહીં ૪૫ દિવસથી નર્મદાના પાણીનો પુરવઠો ન મળતાં ગ્રીન સીટીના રહિશોને પાણીના ટેન્કરો મંગાવવાનો વારો આવ્યો છે. જેના કારણે વસાહતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ન્યુ ગ્રીન સિટી વસાહત મંડળે અનેક રજુઆતો છતાં કોઇ કાર્યવાહી નહિ કરાતા રહિશોએ માટલા સરઘસની ચિમકી ઉચ્ચારી છે.
ન્યુ ગ્રીન સિટી વસાહત મંડળના પ્રમુખે જણાવ્યુ હતું કે, સેકટર ૨૬ની ગ્રીનસીટીમાં છેલ્લા ૪૫ દિવસથી પીવાનું પુરતુ પાણી આવતું નથી. જેના કારણે રહિશોને ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે.
આશરે ૧૬૦૦ ટીડીએસનું પીવાનું પાણી જનતા ઉપયોગ કરી રહી છે અને જીઆઇડીસીની અન્ડરમાં આવેલા ટ્યુબવેલથી પણ પાણીનો પુરવઠો નાગરિકોને મળતો નથી. ત્યારે ગ્રીનસિટીના વસાહતીઓ નર્મદાના પાણી માટે વલખા મારી રહ્યા છે.
જો આ નર્મદાનો પાણીની પુરવઠો પાટનગર યોજના વિભાગ ૩ અને જીઆઇડીસી દ્વારા તાત્કાલિક ધોરણે પૂરતો નહી અપાય તો ગ્રીન સીટીની જનતા દ્વારા પાણી મુદ્દે માટલા સરઘસ રેલી કાઢીને જીઆઇડીસીની કચેરી અને સેકટર ૧૬ પાટનગર યોજના વિભાગ ખાતે જશે. જ્યાં રેલી સભા સ્વરૂપ લેશે અને જ્યાં સુધી પાણી નહી મળે ત્યાં સુધી નર્મદાના પાણીનો પુરવઠો તાત્કાલિક આપવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરાશે.