મહેસાણાના રામોસણા સર્કલથી માનવ આશ્રમને જોડતા વિસનગર લીંકરોડ ઉપરનો આંબેડકર બ્રિજ મરણ પથારીયે પડ્યો છે. આ બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો રોડની હાલત જોઈ માર્ગ-મકાન વિભાગની કામગીરી સામે આંગળી ચિંધી રહ્યા છે. એકાદ-બે વરસાદના ઝાપટામાં આંબેડકર બ્રિજ હાડપિંજર સમું બની બેઠું છે. આથી વાહનચાલકો ઉપર ભારે વિનાશ સર્જાવાની શક્યતાઓ રહેલી છે. વિસનગર લીંક રોડ ઉપરનો આંબેડકર બ્રીજ માર્ગ-મકાન વિભાગની જવાબદારી હેઠળ નિર્માણ પામ્યો છે. અંદાજિત ૩ વર્ષ અગાઉ પુલનું નિર્માણ થયું છે તેમ છતાં મોટા ખાડા વરસાદ બાદ પડી ગયા છે. અને કેટલીક જગ્યાએ તો પુલની મજબૂતાઈ માટે જરૂરી ખીલાસળી બહાર આવી ગયેલી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં અહીંથી દૈનિક હજારો વાહન ચાલકો અને લોડીંગ વાહનો પણ પસાર થતા હોય છે.મહેસાણા તાજેતરમાં હજુ મેઘ મહેર થઇ નથી. ગણતરીના બે ઇંચ વરસાદમાં આંબેડકર પુલની હાલત બિસ્માર થવા ગઈ છે. આજુબાજુ રહેણાંક વિસ્તારના લોકો આ પુલનો ઉપયોગ કરે છે. શહેરીજનો પુલ નીચેથી પોતાની દૈનિક કામગીરી માટે પસાર થતા હોય છે. જ્યારે મરણ પથારીયે આવી ગયેલા આ બ્રીજ મહેસાણામાં ભારે વિનાશ સર્જે તે પહેલા જવાબદાર તંત્રએ ધ્યાન આપવું જરૂરી બન્યું છે. જેને લઇને હાલમાં આ પુલ પરથી લોડિંગ વાહન અને અન્ય વાહનને જોતા ભારે ટ્રાફિક જામના દ્રષ્ય સર્જાઈ જાય છે. સાથે સાથે સ્થાનિકો પણ આ પુલમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપો કરી રહ્યા છે.