જીવનમાં છેલ્લો શ્વાસ અને છેલ્લો વિસામો અંતિમધામમાં છે, જીવતા જીવને મૃત્યુની ખબર હોતી નથી પણ જીવત કેવું જીવ્યા તે લોકોના હૃદયમાં રહે છે. વર્ષો પહેલાં અવસાન પામેલા વ્યકિતને ઠાઠડીમાં ઉપાડીને સ્મશાને લઈ જવામાં આવતો હતો પછી જમાના પ્રમાણે હવે ઠાઠડીને ઉપાડવાની ફોરમાલીટી કર્યા બાદ શબવાહિનીમાં ઠાઠડીમાં મુકીને અંતિમધામ ખાતે લઈ જવામાં આવે છે. આજે એવો સમય આવ્યો છે કે, ફોનથી કે મોબાઈલથી મેસેજ મળે કે, ફલાણાના માતૃશ્રી કે પિતૃશ્રી અવસાન પામ્યા છે તો.! પહેલાના પોતાની રોજનીશી તપાસશે અને પછી કહેશે કે, બેસણું કયારનું રાખેલ છે.! આમ મોટા ભાગના લોકો તો ટેલીફોનિક સંદેશાઓથી પોતાની છટક બારી શોધી લે છે..જે લોકો આજુબાજુમાં અથવા નજીક રહે છે તે પણ શરમના માર્યા પહેલા તો કોણ કોણ આવ્યું છે તે જોશે અને પછી હમણાં જાઉ..હમણાં જાઉ.. કરતાં તે ત્યાં જઈને ઉભા રહે અને એમ કરતાં થોડાક લોકો ભેગા થાય.. ઘરેથી છોકરો બોલાવવા આવે કે, તમારો ફોન છે.. ફલાણા ભાઈ આવ્યા છે..વિગેરે સમાચારથી વળી ઘર ભણી એક-બે આંટા થાય અને ઠાઠડી ઉપાડવાની થાય ત્યારે બધા લોકો એક સાથે ભેગા થઈને ક્રિયામાં લાગી જાય છે..અને જેવી ઠાઠડી શબવાહિનીમાં મુકે એટલે ગાડીઓ સ્ટાર્ટ થવાની ચાવીઓ ઘુમવા લાગે અને બાઈકોની કિકો વાગવા લાગે..સ્મશાન સુધી પહોંચતાં જ અડધા લોકો પોતાના માર્ગે વળી જાય છે…સ્મશાનમાં જયાં મૃતદેહને નીચે મુકાય છે ત્યાં પણ નજીકના સગાઓ પગે લાગીને ચાલતી પકડે છે..મૃતદેહને અગ્નિસંસ્કાર જેવો કરવામાં આવે ત્યારે અમૂક લોકો ચાલતી પકડે છે..છેલ્લે જયારે મૃતાતમાંના અસ્થિ લેવા માટે માંડ ગણ્યાગાંઠયા માણસો હોય છે. ત્યારે કોગળા માટે માંડ આઠ-દસ જણ જેટલા ડાઘુઓ છેલ્લે સુધી હોય છે..અને તેઓ પાથરણા ઉપર બેસે ત્યારે છેલ્લી વિધિ હોય તેમ ગણ્યા ગાંઠયા લોકો પણ પ્રણામ કરીેને ચાલતી પકડે છે. જેનું સ્વજન ગયું હોય તે પણ એકલો..એકલો હોય તેવી સ્થિતિ છેલ્લે બની રહે છે. આમ હવેના સમયમાં અંતિમયાત્રામાં જનારાઓની પણ સંખ્યા માંડ થવા પામે છે. કોઈના સ્વજનના મૃત્યુની ક્ષણો સાચવી લેવાની ભાવના પણ હવે લુપ્ત થતી જોવા મળી રહી છે.આધેડ વય અને ઉપર પચાસ વર્ષના લોકો ગમે તેમ કરીને સ્મશાને જઈ આવે છે. પણ હવે જમાનો બાળકોને પણ સ્મશાનમાં આ સમયે લઈ જવાની જરૂર વર્તાઈ રહી છે જેથી તેઓને પણ આ વિધીને પાર પડતી જોઈને જીવનમાં આ જોવા જેવો અવસર તેમને મળી રહે. જે દિવસે મરણનો વ્યવહાર તૂટશે એ દિવસે સમાજને પણ તૂટતો કોઈ બચાવી નહીં શકે.! લગ્નમાં તો નાચનારા માણસો ભાડે લાવશો પણ નનામી ઉચકવા માટે ભાડે માણસો ઓછા લાવશો.?