સેન્ટ્રલ IBએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ અને ૧૫મી ઓગસ્ટને અનુલક્ષીને દેશભરમાં એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે IBને મળેલા મહત્વના ઈનપુટ અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થઈ શકે છે. જેને પગલે રાજ્યભરમાં મહત્વના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે અરવલ્લીના શામળાજી ખાતે પણ ચોવીસે કલાક પોલીસ જવાનો ખડેપગે રહીને મંદિર પરિસરમાં સુરક્ષા કરી રહ્યા છે.
આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે. શ્રાવણ માસને લઈ શામળાજી મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળે છે. રાજસ્થાન રાજ્યમાંથી પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથધરવામાં આવ્યું છે
૭૩મા સ્વાતંત્ર્ય પર્વમાં આતંકી હુમલાની દહેશત હોવાથી આઈબીના ઇનપુટના આધારે શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ અને શામળાજી મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જમ્મુ-કશ્મીરમાં ૩૭૦ કલમ નાબૂદી બાદ દુશ્મન દેશ મૂંઝાયો છે. આવામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં એલર્ટ અપાયું છે. ભારત સામે આતંક ફેલાવા આઈએસઆઈ અને જૈશ-એ-મહમદ એક થયું છે. જૈશ-એ-મોહમંદના ઓપરેશનલ કમાન્ડરના આતંકી હુમલાની જવાબદારી આપવામાં આવી છે.
ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ગુજરાતના મહત્વના સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. આગામી સ્વાતંત્ર્યદિન તથા પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી શામળાજી મંદિર, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામ અને બોર્ડર તથા દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર ઠેરઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.