અમદાવાદમાં આજથી વાહનની સ્પીડ નક્કી, ઓવર સ્પીડ પર ૨ વર્ષ સુધીની જેલ

435

શહેરમાં વધી રહેલી ટ્રાફિક અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા તમામ રોડ પર વાહનની સ્પીડ નક્કી કરાઈ છે. સાથે જ ગુજરાતમાં સ્પીડ નક્કી કરનાર અમદાવાદ ગુજરાતનું પ્રથમ હરોળનું શહેર બન્યું છે.

શહેરની અંદરના તમામ રસ્તાઓ અને એસપી રિંગ રોડ ઉપર ટુ વ્હીલર માટે ૫૦, થ્રી વ્હીલર માટે ૪૦, કાર માટે ૬૦ અને ટ્રક સહિતના વાહનો માટે ૪૦ની સ્પીડ નક્કી કરાઇ છે. જ્યારે એસજી હાઈવે અને નારોલથી નરોડા હાઈવે કે જે નેશનલ હાઈવેમાં આવે છે, તેના ઉપર ટૂ વ્હીલર ૮૦, થ્રી વ્હીલર ૫૦, કાર ૧૦૦, મીની લકઝરી બસો ૯૦ જ્યારે ટ્રક – ટ્રેલર સહિતના ભારે વાહનો માટે ૮૦ ની સ્પીડ નક્કી કરવામાં આવી છે.

ઓવર સ્પીડ બદલ અત્યારસુધી રૂ.૧૦૦૦ દંડ વસૂલ કરાતો હતો. પરંતુ સોમવાર રાતથી તેમની પાસેથી દંડ તો વસૂલ કરવામાં આવશે પરંતુ તેમની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે જેમાં મહત્તમ ૨ વર્ષની સજા થઇ શકે છે.

પોલીસ કમિશનર એ.કે.સિંઘે સોમવારે સાંજે જાહેરનામું બહાર પાડ્‌યુ છે, જેનો અમલ ૧૨ ઓગસ્ટની રાતથી શરૂ કરી દેવાયો છે. વાહનની સ્પીડ નક્કી કરનારું અમદાવાદ ગુજરાતનું પહેલું શહેર છે. અમદાવાદમાં હાલમાં વાહનોની સંખ્યા ૪૪ લાખ છે, જેની સામે ટ્રાફિક પોલીસના ૧૦૦૦ જવાનો ટ્રાફિક નિયમન કરે છે. જ્યારે ટ્રાફિક પોલીસ પાસે ઓવર સ્પીડના કેસ કરવા માટે માત્ર ૫ જ સ્પીડ ગન છે. તો ટ્રાફિક પોલીસ ઓવર સ્પીડના કેસો કેવી રીતે કરશે, તે સૌથી મોટો સવાલ છે.

ડીસીપી ટ્રાફિક તેજસ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ટ્રાફિક પોલીસ ૫ સ્પીડ ગનથી એસજી હાઈવે અને એસપી રિંગ રોડ પર ઓવર સ્પીડના કેસ કરે છે. હવે સ્પીડ લિમિટ નક્કી થતાં વધુ સ્પીડ ગન ખરીદાશે.

મોટર વ્હીકલ એકટ ૧૯૮૮ ની કલમ ૧૮૩(૧)(૨) – ઓવર સ્પીડમાં વાહન ચલાવતા પહેલી વખત પકડાય તો રૂ.૪૦૦, બીજી વખત રૂ.૧૦૦૦ દંડ.

મોટર વ્હીકલ એકટ કલમ ૧૮૪ – ભયજનક વાહન ચલાવનારને ૧ હજાર દંડ અથવા તો ૬ માસની સજા અને બીજી વખત ૨ હજાર દંડ કે ૨ વર્ષની જેલ

ઓગણજ સર્કલ, વિશાલા હોટેલ નજીક, નિરમા યુનિવર્સિટી પાસે, ઓઢવ રિંગ રોડ અને કોતરપુર ખાતે ડ્રાઈવ યોજાશે.

Previous articleશાળાનો સમય સવારનો નહીં થાય તો અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી
Next articleરાજ્યની તમામ નગરપાલિકાઓને જર્જરિત પાણીની ટાંકીઓનું ત્વરિત રીપેરિંગ કરવા આદેશ