શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી તૂટવાની ઘટનાને પગલે નગરપાલિકા નિયામકે રાજ્યની તમામ નગર પાલિકાઓમાં પાણીની ટાંકીની સ્થિતિ બાબતે રિજનલ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો છે. તેની સાથે સાથે જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકીઓનું ત્વરિત રીપેરિંગ કરવા આદેશ આપ્યો છે. તેમજ જરૂર જણાય તો જર્જરિત પાણીની ટાંકીઓને દૂર કરવી. આ અંગેનો રિપોર્ટ બે દિવસમાં આપવા માટે હુકમ કર્યો છે.
તેની સાથે સાથે અમદાવાદ શહેરમાં ૨૦ વર્ષથી જૂની હોય એવી ૫૦થી વધુ પાણીની ટાંકીઓ આવેલી છે. જેનું ઈન્સપેક્શન કરી તેના સ્ટ્રક્ચરની ચકાસણી કરવામાં આવતી નથી. બીજી તરફ વર્ષ ૨૦૦૭માં એએમસીની હદમાં ભળેલી ૨૧ ગ્રામ પંચાયતનો અને ૭ નગરપાલિકાની ૧૦થી વધુ ટાંકીઓ જર્જરિત હાલતમાં છે. આ અંગે એએમસીમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું કે, શહેરમાં ૨૦ વર્ષથી જૂની ૫૦થી વધુ પાણીની ટાંકીઓ છે. જુની ગ્રામ પંચાયત વખતની ૧૦થી વધુ ટાંકીઓ જર્જરિત હાલતમાં છે.