કલમ ૩૭૦ મામલે સરકારે ગેરબંધારણીયરીતે કામ કર્યું

353

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ને દૂર કરવાને લઇને નિર્ણય કરવાના મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. કલમ ૩૭૦ને દૂર કરવાના નિર્ણયને બિનબંધારણીય તરીકે ગણાવીને આની નિંદા કરી છે. લોકશાહી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશના સોનભદ્ર સ્થિત ઉમ્ભા ગામ પહોંચ્યા હતા જ્યાં તેઓએ થોડાક દિવસ પહેલા જમીન વિવાદને લઇને થયેલા હત્યાકાંડના પીડિત પરિવારો સાથે વાતચીત કરી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે, સરકારે કલમ ૩૭૦ને દૂર કરવાને લઇને લોકશાહી મુલ્યોનું પાલન કર્યું નથી. કલમ ૩૭૦ને દૂર કરવાનો આ તરીકો સંપૂર્ણપણે બિનબંધારણીય છે. જ્યારે આવા નિર્ણય કરવામાં આવે છે ત્યારે કેટલાક નિયમો પાળવાના જરૂરી હોય છે પરંતુ કલમ ૩૭૦ના મામલામાં આવા કોઇ નિયમ પાળવામાં આવ્યા નથી. ગયા સપ્તાહમાં જ જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ને દૂર કરવાના મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ રાજ્યસભા અને લોકસભા બંનેમાં જોરદાર વિરોધ કર્યો હતો. અલબત્ત જ્યોતિરાદિત્ય સિંધિયા, જર્નાદન દ્વિવેદી જેવા કેટલાક મોટા કોંગ્રેસી નેતાઓએ પાર્ટી લાઈનથી દૂર થઇને મોદી સરકારના નિર્ણયની સાથે ઉભેલા દેખાયા હતા અને કહ્યું હતું કે, આ નિર્ણય દેશના હિતમાં લેવામાં આવ્યો છે. સોનભદ્રમાં થયેલા નરસંહાર બાદ પ્રિયંકા ગાંધી આજે ઉમ્ભા ગામ પહોંચ્યા હતા.

આજે બપોરે ઉમ્ભા ગામ પહોંચ્યા બાદ પ્રિયંકાએ મૃતક લોકોના પરિવાર સાથે વાતચીત કરી હતી. જે લોકોએ થોડાક દિવસ પહેલા જ જમીની વિવાદને લઇને ગોળીબારમાં પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમની સાથે વાતચીત કરી હતી. સાથે સાથે પરિવારોને મળીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ પહેલા ૧૯મી જુલાઈના દિવસે પ્રિયંકા ગાંધી ઉમ્ભા ગામ પહોંચનાર હતા પરંતુ તેમને રોકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રિયંકા ગાંધી ધરણા ઉપર બેસી ગયા હતા. બીજી બાજુ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ પ્રિયંકા ગાંધીના આ પ્રવાસને રાજકીય ડ્રામાબાજી તરીકે ગણાવીને આની ટિકા કરી છે. તેમણે કહ્યું હતું કે, સોનભદ્રમાં થયેલા હત્યાકાંડની જડમાં કોંગ્રેસ પાર્ટી હતી. તેમણે કહ્યું હતું કે, સોનભદ્ર જઇને કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ પોતાના કર્મોના પશ્ચાતાપ કરવાની જરૂર છે. આટલા દિવસના ગાળા બાદ આ મામલામાં કઠોર કાર્યવાહી કરવામાં આવી ચુકી છે. આવી સ્થિતિમાં  રાજકીય ડ્રામાબાજી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કલમ ૩૭૦ની નાબૂદી પ્રશ્ને પ્રિયંકા ગાંધી આજે આક્રમક દેખાયા હતા. કોંગ્રેસ પાર્ટી કલમ ૩૭૦ની નાબૂદીના પ્રશ્ને વિરોધના વલણ ઉપર છે.ડ

Previous articleઅયોધ્યા કેસ : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યથાવત રીતે જારી
Next articleરિટેલ ફુગાવો ઘટીને ૩.૧૫ ટકા થયો : સરકારને રાહત