પદ્મશ્રી તેજસ પટેલ, પદ્મશ્રી સુધીર શાહ, નાગપાલ સહિત ૪૦થી વધુ જાણિતા તબીબોએ આજે ભાજપનો ખેસ પહેર્યો હતો. આ તમામે વિધિવતરીતે ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના નેતૃત્વમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં વાઘાણીએ આ તમામને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ભાજપ સંગઠન પર્વ સભ્ય વૃદ્ધિ અભિયાન દેશભરમાં જોરદારરીતે જારી છે. ગુજરાતમાં પણ વિવિધ વર્ગ સમૂહ ભાજપના રાષ્ટ્રવાદી અને વિકાસવાદી વિચાર સાથે જોડાઈ રહ્યા છે. ભાજપની રાષ્ટ્ર પ્રથમની વિચારધારા, જનકલ્યાણકારી અને વિકાસની રાજનીતિનો તમામ લોકો સ્વીકાર કરી રહ્યા છે. વાઘાણીએ કહ્યું હતું કે, દેશ આગળ વધી રહ્યો છે. બદલાઈ રહ્યો છે. આજે દેશના નાગરિક તેમની અનુભૂતિ પણ કરી રહ્યા છે. ગુજરાતના બે પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં આજે દેશ વૈશ્વિક સ્તરે ઉંચાઈ હાંસલ કરે છે.
તેમના નેતૃત્વથી પ્રેરણા લઇને દેશના કરોડો નાગરિક ભાજપની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે દર્દીઓ માટે ભગવાન સ્વરુપ એવા દેશ-વિદેશમાં વિખ્યાત તબીબો પણ દર્દી નારાયણની સેવા માટે સમર્પિત કરીને આગળ આવી રહ્યા છે. ૧૯૯૫થી સતત ગુજરાતની જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ રાખીને અવિરત પ્રેમ વરસાવ્યો છે. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં પણ છઠ્ઠીવાર ભાજપનો વિજય થયો હતો. ત્યારબાદ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે સતત બીજી વખત તમામ ૨૬ બેઠકો જીતી હતી જે સમગ્ર જનતાનો ભાજપ પ્રત્યેનો અતુટ વિશ્વાસ દર્શાવે છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનેલા તબીબોએ પણ પોતપોતાની પ્રતિક્રિયા આપી હતી. દેશની સંસ્કૃતિ, શાલીનતાના રક્ષણની વિચારધારા સાથે કાર્ય કરતી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને તબીબોએ ગૌરવની લાગણી અનુભવ કરી હતી. પદ્મશ્રી સુધીર શાહે કહ્યું હતું કે, ધર્મ-આધ્યાત્મની સંસ્કૃતિની ધરોહર ધરાવતા ભારત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધે છે ત્યારે નવા શિખરો સર કરવાનો સમય છે. પદ્મશ્રી તેજસ પટેલે પણ આવી જ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હુતં કે, જમ્મુ કાશ્મીરમાં ૭૦ વર્ષ જુના પ્રશ્નનું નિરાકરણ સચોટ રાજકીય સુઝબુઝ સાથે મોદી અને શાહની જોડીએ લાવ્યું છે.