ભાવનગર જિલ્લામાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રની તડામાર તૈયારી

652

ભાવનગર તાલુકામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદના કારણે નાવડા પંપીંગ સ્ટેશન ના પંપ, મોટર તથા ઇલેક્ટ્રિકલ પેનલ ક્ષતિગ્રસ્ત થયા હતા જેની અસર સમગ્ર ભાવનગર જિલ્લામાં થઈ હતી અને પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઇ હતી. પંપીંગ સ્ટેશનને પુનઃ કાર્યરત કરવા હજુ ૧૦-૧૨ દિવસ લાગી શકે તેમ છે. આ ગાળા દરમિયાન લોકોને પૂરતું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના ૩૮૫ ગામોને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૪૮ ગામોને જીલ્લા પંચાયત તથા પાણી પુરવઠા દ્વારા ટેન્કર મારફતે,  ૬૫ ગામોને જૂથ યોજના દ્વારા,  ૨૬ ગામોને આજુબાજુના જળ સ્ત્રોતો માંથી તેમજ ૨૪૫ ગામોને બોર, કુવા વગેરે જેવા લોકલ સોર્સમાંથી પાણી પૂરું પાડવાનું આયોજન ઘડવામાં  આવ્યું છે. જ્યારે ઉમરાળા તેમજ વલભીપુર નગરપાલિકાને પંપીંગ મોટર મારફતે, જ્યારે ગારીયાધાર શહેરને ૧૦ વર્ષ જૂની પાણીની લાઈન રિપેર કરી પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

લોકોને હાલાકી ન પડે તેવી કલેકટરની અધિકારીઓને તાકીદ

ગત દિવસોમાં બરવાળા પંથકમાં પડેલ ભારે વરસાદને કારણે નાવડા પંમ્પીગ સ્ટેશનમાં પાણી ભરાયાં હતા,જેથી મોટર,પંપ અને ઇલેક્ટ્રિકલ પેનલ વગેરેમાં પાણી ભરાવાને કારણે આ પંમ્પીગ સ્ટેશનથી થતું પાણીનું પંમ્પીગ  જીડબલ્યુ આઈએલ ને બંધ કરવાની ફરજ પડી છે.આ પંમ્પીગ સ્ટેશનને પૂનઃ કાર્યરત કરવાં અંદાજીત ૧૦-૧૨ દિવસનો સમય લાગી શકે તેમ હોય જિલ્લા કલેકટર હર્ષદ પટેલ દ્વારા કમિશ્નર ભાવનગર મહાનગરપાલિકા, પ્રાદેશિક કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તથા જિલ્લાના તમામ પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તેમજ ચીફ ઓફિસરઓને પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરી અથવા તો  લોકલ સોર્સ મારફતે શક્યતઃ જરૂરિયાત મુજબ પાણી લોકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે.

Previous articleજે રોડની સમય મર્યાદા વધારવાની છે તે બની ગયો છે અને ડેમેજ પણ થયો છે
Next articleયુએસ ઓપન : સિંગલ્સમાં નહીં રમવાનો મરેનો નિર્ણય