શેરબજારમાં આજે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. સ્વતંત્રતા દિવસની રજાના એક દિવસ પહેલા બજારમાં તેજી જામી હતી. તમામ સેક્ટરમાં બ્રોડ આધારિત લેવાલી જોવા મળી હતી. દલાલ સ્ટ્રીટમાં તેજી માટે વૈશ્વિક પરિબળો પણ જવાબદાર રહ્યા હતા જેમાં ટ્રેડવોરની સ્થિતિને હળવી કરવા માટે ચીની આયાત ઉપર વધારાના ટેરિફ લાગૂ નહીં કરવાના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને પણ જવાબદાર ગણવામાં આવે છે. બીજી બાજુ ફુગાવાને લઇને ઘરઆંગણેના આંકડા આશાસ્પદ દેખાઈ રહ્યા છે. રિટેલ ફુગાવા બાદ ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડામાં પણ ઘટાડો થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે રિઝર્વ બેંક દ્વારા રેટમાં વધુ ઘટાડા માટેની સ્થિતિ સર્જાઈ રહી છે. બીએસઈ સેંસેક્સ ૩૫૩ પોઇન્ટ ઉછળીને અથવા તો ૦.૯૬ ટકા સુધારા સાથે ૩૭૩૧૧ની સપાટીએ આજે રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ઇન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી સહિતના શેરમાં આજે પણ તેજી રહી હતી. તાતા સ્ટીલ, વેદાંતા, યશ બેંક અને ટેક મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો જ્યારે ઓએનજીસી, તાતા મોટર્સ અને એશિયન પેઇન્ટ્સના શેરમાં મોટો ઘટાડો રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૧૦૪ પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૧૦૨૯ની સપાટી પર આજે બંધ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો ફાર્મા સિવાયના તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ચાર ટકાનો ઘટાડો ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન નોંધાતા તેની સપાટી પાંચ વર્ષથી નીચે પહોંચી હતી. જો કે, ઇન્ડેક્સ કારોબારના અંતે ૧.૪ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી મેટલમાં પણ તેજી જામી હતી તેમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી પબ્લિક સેક્ટર બેંક ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ મિડકેપમાં ૧૧૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૪૭૭ રહી હતી જ્યારે સ્મોલકેપમાં ૫૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૫૭૦ રહી હતી. યુરોપિયન શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. જર્મનીનું અર્થતંત્ર રિવર્સમાં જઇ રહ્યું છે. વૈશ્વિક મંદીના ભણકારા વાગી રહ્યા છે. ઇક્વિટી ઇન્વેસ્ટરો અમેરિકાના ઘટનાક્રમ ઉપર નજર રાખી રહ્યા છે.