જમ્મુ-કાશ્મીરમાંથી ધારા ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત સાથેનો વેપાર બંધ કરી દીધો છે. પાકે ભારત સાથેના રાજકીય સંબધો ઓછા કરવા ઉપરાંત દ્વિપક્ષીય વ્યાપાર પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
જોકે પાકિસ્તાનનો આ નિર્ણય સેલ્ફ ગોલ જેવો છે કારણ કે તેની સૌથી વધુ અસર તેના પોતાના નાગરિકો પર પડશે. પાકિસ્તાને ભારત સાથે વેપાર પર પ્રતિબંધ મૂક્યો પણ ત્યાંના લોકો ભારતીય મરી-મસાલા વગર એક દિવસ પણ ચાલે તેમ નથી. ત્યાંની સરકારે ભારતની ચીજવસ્તુઓ માટે કરાચી પોર્ટ અને વાઘા બોર્ડર બંધ કરી દેતા પાકિસ્તાનમાં મોંઘવારી વધશે તે નિશ્ચિત છે. ત્યારે એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ ઊંઝાથી નિકાસ થતા ધાણાં-જીરું, વરિયાળી અને અન્ય મસાલા પણ પાકિસ્તાનમાં મોંઘા થઈ જશે.
ગુજરાતમાંથી વર્ષે દાહડે રૂ.૫૦૦ કરોડની કિંમતના ધાણાં, જીરું, હળદર, વરિયાળી, સુવો, અજમો જેવા મસાલા પાકિસ્તાનમાં નિકાસ થાય છે. ઈસબગુલનું નિકાસ પણ મોટા પ્રમાણમાં થતું હોય છે. ઊંઝા- સિદ્ધપુરના વેપારીઓ વર્ષોથી કરાચી પોર્ટ અને વાઘા બોર્ડરથી પાકિસ્તાનના આયાતકારો સાથે વેપાર કરી રહ્યા છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં તુર્કી-સિરિયાના જીરાનો ભાવ પ્રતિ ટને ૩૬૦૦ ડોલર છે.
જેની સામે ઊંઝાના જીરાનો ભાવ ૨૪૦૦ ડોલર છે. આ પ્રતિબંધથી પાકિસ્તાન સ્થિત આયાતકારોને વાયા દુબઈ, અફઘાનિસ્તાનના પોર્ટથી વેપાર કરવો પડશે. જેના કારણે ડયૂટી, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા પણ છેવટે પાકિસ્તાન ઉપર મોંઘવારી વધશે.