એએમસીના વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના ઘેરાવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આક્રમક બનેલા વિપક્ષે મ્યુનિસિપલ કમિશનર પર ચૂંટાયેલા પ્રતિનિધિનો સ્થાનિક સમસ્યા અંગેનો ફોન રિસિવ ન કરવાનો અને અશોભનીય વર્તન કરતા હોવાનો આરોપ મુક્યો હતો. ત્યાર બાદ વિપક્ષનો વિરોધ જોઈ કમિશનર ઓફિસની બહારના શટર અને જાળીઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ વિરોધપક્ષના નેતા સહિત કોંગ્રેસના કોર્પોરેટરોએ હાય રે કમિશનર હાય હાયના સૂત્રોચ્ચારો કર્યા હતા. તેમજ કમિશનર ઓફિસની બહારની જાળી પર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર માનસિક બીમાર છે લખેલું બેનર લગાવ્યું હતું.
આ અંગે એએમસીમાં વિરોધપક્ષના નેતા દિનેશ શર્માએ કહ્યું કે, આગોતરી જાણ કરી હોવાછતાં મ્યુનિસિપલ કમિશનર તેમની ચેમ્બરમાં હાજર નહોતા. અમારો વિરોધ જોઈ કમિશનર ભાગી ગયા હતા. કમિશનરના વર્તન અંગે રાજ્યના ચીફ સેક્રેટરીને રજૂઆત કરીશું. આગામી સામાન્ય સભામાં ઠપકાની દરખાસ્ત પણ લાવીશું.