રાજ્ય સરકારના કર્મચારીઓ માટે વધુ એક નિર્ણય રાજ્ય સરકારે કરી તેમની ગ્રેચ્યૂઇટીની મળવાપાત્ર રકમની મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્મચારીલક્ષી કરેલી જાહેરાત મુજબ બોર્ડ-નિગમ-કોર્પોરેશન સહિત સરકારી અધિકારી/કર્મચારીઓને આ લાભ મળવાપાત્ર થશે. પેન્શન અને ગ્રેચ્યૂઇટી એક્ટ અંતર્ગત ભારત સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને રૂપિયા ૧૦ લાખની મર્યાદામાં મળવાપાત્ર ગ્રેચ્યૂઇટીની રકમમાં વધારો કરી રૂપિયા ૨૦ લાખની મર્યાદામાં ગ્રેચ્યૂઇટી ચુકવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પણ કર્મચારીલક્ષી નિર્ણય લઇ અધિકારી/કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેચ્યૂઇટીની રકમમાં વધારો કરી રૂ.૨૦ લાખની મર્યાદામાં ગ્રેચ્યૂઇટી ચુકવવાનો નિર્ણય અગાઉ કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લી. અને ગુજરાત ઉર્જા વિકાસ એન્જસી (જેડા) દ્વારા મળેલી દરખાસ્તને મંજૂરી આપી જીઆઇડીસી અને જેડાના કર્મચારી/ અધિકારીઓને રૂપિયા ૧૦ લાખની મર્યાદાના બદલે રૂ.૨૦ લાખની મર્યાદામાં ગ્રેચ્યૂઇટી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ગુજરાત આદ્યોગિક વિકાસ નિગમ લી.ને આશરે રૂ.૧૦ કરોડનું નાણાકીય ભારણ તથા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને રૂ.૮૨ લાખનું નાણાકીય ભારણ થશે.
રાજ્યના અન્ય નિગમો/ બોર્ડ/ કોર્પોરેશનોના અધિકારી/કર્મચારીઓના કિસ્સામાં પણ રૂ.૨૦ લાખની મર્યાદામાં ગ્રેચ્યૂઇટી ચુકવવા તબક્કાવાર રાજ્ય સરકાર દ્ધારા નિર્ણય કરવામાં આવનાર છે.