શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભાદરવી પૂર્ણિમાના મેળાને અનુલક્ષીને માતાજીના દર્શનનો સમયે વધારવામાં આવ્યો છે. સાત દિવસ ચાલનાર મેળા દરમિયાન દૂરદૂરથી પગપાળા ચાલીને માઈભક્તો અંબાજી દર્શને આવશે ત્યારે ભક્તો સવારે સવા ૬ વાગ્યાથી લઈને મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે.
અંબાજી ભાદરવી પૂર્ણિમાનો મેળો આવતા મહિને ૮ સપ્ટેમ્બરથી શરૂ થશે અને સાત દિવસ ચાલશે. મેળાની પૂર્ણાહૂતિ ૧૪ સપ્ટેમ્બરે થશે. દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપૂર દર્શનાર્થે ઉમટશે. ત્યારે આ દરમિયાન માત્ર સાંજના સમયે ૫ વાગ્યાથી ૭ વાગ્યા સુધી મંદિર બંદ રખાશે અને તે દરમિયાન સફાઈ કામગીરી કરાશે.
ભાદરવી પુનમીયા સંઘ મહામંડળ અને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર સાથે એક ગઈ ૪ ઓગસ્ટની બેઠકમાં મેળા દરમિયાન એક્સપાયરી ડેટનો માલ વેચાતો હોવા અને ધર્મશાળાઓમાં ભાડા વધારી દેવાતા હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી. તાજેતરમાં અમદાવાદના કાંકરિયા સ્થિત ડિસ્કવરી રાઈડ્સનો કાંડ થયો હતો તેવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા ખાસ અનુરોધ કરાયો હતો. ઉપરાંત આ વખતે મેળા દરમિયાન મંદિરમાં પ્રસાદના કાઉન્ટર વધારવા તેમજ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં સુધારો કરવા માંગ કરાઈ છે.
અંબાજીમાં મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં પગપાળા સંઘોનાં મુખ્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને ચર્ચા કરી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા યાત્રીઓને પોલીસ મિત્ર બની સહકાર આપવા અનુરોધ કર્યો હતો. આ ભાદરવી પૂનમે ૩૦ લાખ જેટલા શ્રધ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની આયોજન કરાશે. તેમજ મેળામાં ઝુમિંગ સીસીટીવીથી નજર રાખશે.
અંબાજી આવેલો યાત્રી સુખ શાંતિથી પોતાના વતન પરત ફરે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ર્પાકિંગથી અંબાજી મંદિર સુધી યાત્રીઓને લાવવા મૂકવાની મફત વ્યવસ્થા કરાશે. સાથે જ અંબાજી આવતા તમામ યાત્રીઓને જમવાની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરાશે. હાલ ચોમાસું હોવાથી રસ્તામાં ડુંગરો ઘસી પડવાનો ભય હોવાથી સાવચેતી રાખવા તેમજ પાણીમાં જાનવરોનો ડર રહેલો હોવાથી જ્યાં ત્યાં વહેતા પાણી ન્હાવા ન ઉતરવા સુચનો કરવામાં આવ્યા હતા.