ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે : ભાવનગરમાં વરસાદ

567

ગુજરાતના કેટલાક ભાગોમાં આજે પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. ખાસ કરીને ભાવનગરમાં મોડી સાંજે ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ વરસાદ માટેની આગાહી અકબંધ રાખવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. બુધવાર અને ગુરુવારના દિવસે વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. દાહોદ અને મહિસાગરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ૧૫મી ઓગસ્ટના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. ૧૦ દિવસમાં જોરદાર વરસાદના કરાણે જુદા જુદા બંધમાં પાણીની સપાટી વધી ગઈ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૧૪ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૮૪.૦૯ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૪૦ જળાશયો છલકાયા છે. ૩૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૩૦ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે.

સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૭૮.૦૨ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૦૧.૪૨ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૮૯,૫૮૪, ઉકાઇમાં ૮૧,૫૫૦, વણાકબોરીમાં ૩૨,૩૧૮, કડાણામાં ૨૨,૦૧૦, દમણગંગામાં ૯,૭૪૭, કરજણમાં ૮,૮૧૨,  સુખીમાં ૪,૮૫૫,, મચ્છુ-૩માં ૨,૯૩૨, આજી-૪માં ૨,૪૬૧, પાનમમાં ૨,૧૩૬, ઓજત-વિયર(વંથલી)માં ૧,૪૪૧, મચ્છુ-૨માં ૧,૨૯૫, આજી-૩માં ૧,૧૯૪, અને ઓઝત વિઅરમાં ૧,૧૦૯ ક્યુસેકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૦.૧૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૮.૫૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૮.૫૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૭.૫૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૦.૩૬ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૬૭.૯૩ ટકા એટલે ૩,૭૮,૧૭૯.૧૫ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Previous articleગ્રામ્ય સ્તરે તબીબી સેવાનો વ્યાપ વધારવા નિર્ણય થયો
Next articleઆદિવાસી વિસ્તારોમાં વધુ સૈનિક સ્કુલ બનશે : રૂપાણી