ભાભીએ આખી જિંદગીના પાલન પોષણથી છૂટકારો મેળવવા દિવ્યાંગ દિયરની હત્યા કરી

958

જૂનાગઢનાં વિસાવદરનાં ખીજડિયા ગામે ભાભીએ જ દિવ્યાંગ દિયરની ગળેટૂંપો આપીને હત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. ૨૨ વર્ષનાં દિવ્યાંગ અને મંદબુદ્ધિ વિવેક ઉર્ફે કાનો રમેશ કાતરીયાનાં માતા પિતા પણ હયાત નથી. આ યુવકનો ઘરનાં દરવાજા પાસેથી જ મૃતદેહ મળ્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે પરિવારનાં સભ્યોની પૂછપરછ કરતા ભાભી દયાબેન હાર્દિકભાઇ કાતરીયા સામે શંકા ગઇ હતી. તેણે પોલીસને પહેલા અન્ય લોકોએ હત્યા કરી છે તેવું જણાવ્યું હતું. પરંતુ સઘન પૂછપરછ પછી તેણ પોતાનો ગૂનો સ્વીકારી લીધો હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે પોલીસને શંકા ઉપજતા દયાબેનની સઘન પૂછપરછ કરી હતી. જેમાં ભાભીએ કબૂલાત કરી હતી કે દિયર વિવેક દિવ્યાંગ અને મંદબુદ્ધિનો હતો. ઘરમાં તેની જવાબદારી લેવા વાળું કોઇ ન હતું. મારા સાસુ અને સસરા પણ હયાત નથી. જેથી મારા મનમાં થયું કે દિયરને મારે જ આખી જિંદગી પાલવવાનો થશે. તેની જવાબદારીમાંથી છુટકારો મેળવવા માટે ગળા પર દોરીથી ટુંપો દઇને તેની હત્યા કરી નાંખી હતી. જે બાદ પોતાના સસરાના નામનો ઉલ્લેખ કરી ચિઠ્ઠી ખિસ્સામાં મુકી હતી.

આ બનાવ અંગે પોલીસે હત્યાના ઉપયોગમાં લેવાયેલ ઓઢણી, દોરડુ અને ચિઠ્ઠી કબજે કરી કોર્ટમાં રજુ કરતા એક દિવસના રીમાંડ મંજુર કર્યા હતાં. આ ઘટનાને કારણે આખા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

Previous articleટ્રાફિકનાં નિયમોનો ભંગ કરનાર ચાલકોને મહિલા પોલીસે રાખડી બાંધી
Next articleએમ્બ્રોડરીના કારખાનામાં આગ લાગતા એક કારીગરનું મોત