રાજકોટ કોંગ્રેસમાં વિવાદને લઈને સોશિયલ મીડિયાનું કોંગ્રેસનું વોટ્સએપ ગ્રુપ બંધ કરવું પડ્યું છે. વિવિધ કાર્યક્રમોમાં કોંગ્રેસ આઈટી સેલના હોદેદારો અને કાર્યકરોની ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ બાદ શહેર કોંગ્રેસમાં ભડકો થયો હતો. ત્યારબાદ કોંગ્રેસનું વોટ્સએપ ગ્રુપ બંધ કરવું પડ્યું હતું.
રાજકોટ કોંગ્રેસમાં વિવાદમાં જે કોંગ્રેસનું વોટ્સએપ ગ્રુપ બંધ કરવામાં આવ્યું છે તેને લઇને શહેરમાં ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના ઉ.પ્રમુખ હેમાંગ વસાવડાએ પોતાનું મૌન તોડ્યું છે. તેમણે પોતાનું નિવેદન આપતા જણાવ્યું છે કે, જે કોંગી કાર્યકર્તા દ્વારા સોશ્યલ મીડિયામા પોસ્ટ કરવામાં આવી છે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે. ત્યારબાદ કોંગ્રેસના વિવાદ પર ભાજપના નીતિન ભારદ્ગાજનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જૂથવાદ નવી બાબાત નથી, વ્યક્તિગત જૂથ છે. રાજકોટમાં કોંગ્રેસનું વોટ્સએપ ગ્રુપ બંધ કરવા પાછળ બહાદુરસિંહ ઝાલા નામના કોંગ્રેસી કાર્યકરે આક્ષેપ કર્યો હતો કે પક્ષના વિવિધ કાર્યક્રમોમાં આઈ.ટી. સેલના હોદેદારો અને કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. કોંગ્રેસી કાર્યકરે એવી પણ ટિપ્પણી કરી હતી કે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ફરીથી ભાજપમાં નહીં જતા રહે તેની શું ખાતરી? જો તેઓ સાચા કોંગ્રેસી હોય તો આ અંગે કોર્ટમાં સોગંદનામું કરાવે.
કોંગ્રેસના હોદેદારની આવી ટિપ્પણી બાદ પ્રતિક્રિયા આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યુ કે, આ વિશે મને કંઈ ખબર નથી. હું સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતો.