રામોલ પોલીસે વાહનોમાં નકલી એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે ૪૨ જેટલી નકલી નંબર પ્લેટ સાથે એક શખ્સને ઝડપ્યો હતો, જેની પૂછપરછ બાદ પેઇન્ટર બી ગજ્જર નામની દુકાનમાં રેડ કરી ૧૦ નંબર પ્લેટ મળી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે
આગામી ૩૧ ઓગસ્ટ સુધીમાં તમામ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવી દેવી ફરજિયાત છે. જેનો ફાયદો ઉઠાવી કેટલાક વેપારીઓ પૈસા કમાવા નકલી એચએસઆરપી નંબર પ્લેટ વાહનોમાં લગાવી દે છે. રામોલ પોલીસે બાતમીના આધારે વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી કિરણ ગલ્સર (રહે. રાણીપ)ની ધરપકડ કરી હતી. તેની પાસેથી ૪૨ એચએસઆરપી નંબરપ્લેટ મળી આવી હતી, જે બાબતે પૂછપરછ કરતાં તે આ નંબર પ્લેટ પેઇન્ટર બી ગજ્જર નામની દુકાનમાં આપે છે. પોલીસે દુકાનમાં જઈ તપાસ કરતા વધુ ૧૦ નંબર પ્લેટ મળી આવી હતી.
પોલીસે આ મામલે આરટીઓઅધિકારીને બોલાવી તપાસ કરાવતા અમુક નંબર પ્લેટમાં બ્લ્યુ કલરથી આઈએનડી લખ્યું ન હતું. એક પણ નંબર પ્લેટમાં આઇડેન્ટિટીફિકેશન કોડ નથી, અશોક ચક્ર પણ નથી તેમજ પાછળના ભાગે બારકોડ સ્ટિકર પણ નથી. જેથી પોલીસે કિરણ ગલ્સર અને દુકાન માલિક ભીખાભાઇ ગજ્જરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.