સ્કુલ-ટેલિફોન પરથી અંકુશ ટૂંકમાં હટાવાશે :મુખ્ય સચિવ

419

જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ દૂર કરવા અને રાજ્યની ફેરરચના બાદ ખીણામાં ઉભી થયેલી સ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે. આજથી કેટલીક જગ્યાઓ પર ટેલિફોન, લેન્ડલાઈનની સુવિધા ફરી શરૂ કરવામાં આવી રહી છે તો આગામી સપ્તાહમાં સ્કુલ પણ ખુલવા લાગશે. સોમવારથી માર્ગો ઉપર વાહનોની અવરજવર પણ શરુ કરી દેવામાં આવશે. રાજ્યના મુખ્ય સચિવ બીઆર સુબ્રમણ્યમે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, સરહદ પારથી થઇ રહેલી આતંકવાદને જોતા કેન્દ્ર સરકાર તરફથી સાવધાનીપૂર્વકના પગલા લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પ્રદેશમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને હજુ સુધી કોઇપણ જાનહાનિના સમાચાર મળ્યા નથી અને કોઇને પણ ઇજા થવાના કોઇ અહેવાલ આવ્યા નથી.

આગામી દિવસોમાં અંકુશો પર છુટ આપવામાં આવશે. તેમની સાથે આ પત્રકાર પરિષદમાં રાજ્યના પ્રધાન સચિવ રોહિત કંસલ પણ હાજર હતાં. મુખ્ય સચિવે કહ્યું હતું કે, આગામી દિવસોમાં ક્ષેત્રવાર લોકોને અવરજવરમાં છુટ આપવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, શાંતિ બહાલ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ઘટી નથી. આ દરમિયાન કોઇપણ જાનમાલના કોઇ સમાચાર મળ્યા નથી. શાંતિ સ્થાપિત કરવા માટે સરકાર અને વહીવટીતંત્રને સ્થાનિક લોકોનો સાથ સહકાર ખુબ જ જરૂરી છે.

૨૨માંથી ૧૨ જિલ્લામાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે.  મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં કોઈ પણ રસ્તા,-હાઈવે બંધ નથી. સરકારી કર્મચારીઓ આજથી સુચારુ રૂપથી કામકાજ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે લોકોની સ્વતંત્ર રીતે અવરજવર અને ટેલિકોમ કનેક્ટિવિટી પર પ્રતિબંધ ઉપરાંત શાળાઓ અને કોલેજોને બંધ રખાઈ હતી. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા કાયદાકીય જોગવાઈઓ મુજબ કેટલાક લોકોને સુરક્ષા કારણોસર અટકાયતમાં રખાયા હતાં. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન સતત કાશ્મીરનો માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ તેને તેમા સફળતા મળી નથી. આ દરમિયાન તેમણે લશ્કર એ તૈયબા, હિજબુલ જેવા આતંકી સંગઠનોનું પણ નામ લીધુ. તેમણે આ સાથે કહ્યું કે ઘાટીમાં ધીરે ધીરે હાલાત સામાન્ય થઈ રહ્યાં છે. અમે પ્રતિબંધો પણ હટાવી રહ્યાં છીએ. સ્થિતિની સમિક્ષા કરીને આગળ નિર્ણય લેવામાં આવશે. પાકિસ્તાનના દુષ્પ્રાચર પર મુખ્ય સચિવે કહ્યું હતું કે, સરહદ પારથી પ્રાયોજિત આતંકવાદ ખીણમાં સતત અલગાવવાદી તાકાતોને ઉશ્કેરવાના પ્રયત્નો કરી રહી છે. આજ કારણસર પ્રદેશમાં કેટલીક વાર સુરક્ષા કારણોસરો નિયંત્રણો લાદવામાં આવી ચુક્યા છે.

Previous articleવાજપેયીને પ્રથમ પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ
Next articleહરિયાણા : શાહે વિધાનસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુક્યું