વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૩માં સ્વતંત્રતા પર્વ પર લાલ કિલ્લા પરથી છઠ્ઠી વખત અને મોદી ૨.૦ના કાર્યકાળમાં સૌપ્રથમ વખત તિરંગો ફરકાવ્યો છે. આ અગાઉ સ્વતંત્રતા પર્વ નીમિત્તે વડાપ્રધાન મોદી રાજઘાટ ગયા હતા અને તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સવારે ૭.૩૦ કલાકે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી દેશની આન બાન અને શાન સમા તિંરગાને લહેરાવ્યો હતો.
વડાપ્રધાને જણાવ્યું કે ટૂંક સમયમાં દેશના લશ્કરને અસરકારક બનાવવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તી કરવામાં આવશે. દેશના લશ્કરની ત્રણ પાંખ ભૂમિદળ, વાયુદળ અને નૌસેનાને વધુ અસરકારક બનાવવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સ્થાપવામાં આવશે અને યોગ્ય પ્રક્રિયાથી આ પદ પર નિયુક્તી કરવામાં આવશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્વારા લશ્કરની ત્રણેય પાંખ વચ્ચેનું સંકલન વધુ અસરકારક બનાવવામાં આવશે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં વિવિધ મુદ્દાએને ટાંક્યા હતા જેમાં ટ્રિપલ તલાક કાયદો, કલમ ૩૭૦ની નાબૂદી, ગરીબી, વસતિ વિસ્ફોટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ, અર્થતંત્રમાં વિકાસ તેમજ વિજ્ઞાનન સમાવેશ થાય છે.
વડાપ્રધાને જણાવ્યું કે જે વિતેલા ૭૦ વર્ષોમાં ના થઈ શક્યું તે અમારી સરકારે ૭૦ દિવસની અંદર કરી બતાવ્યું છે. કલમ ૩૭૦ અને ૩૫એને નાબૂદ કરવાની હિંમત અમારી સરકારે કરીને બતાવ્યું છે કે અમે સમસ્યાઓને ટાળતા નથી અને તેના નિર્ણયમાં વિલંબ પણ કરતા નથી. જમ્મુ અને કાશ્મીરના નાગરિકો પણ દેશના અન્ય નાગરિકોની જેમ તમામ અધિકારો માટેના હકદાર છે. હવે રાજ્યમાં વિકાસ જ વિકાસ થશે.
આ અવસરે વડાપ્રધાને અગાઉની કોંગ્રેસની સરકારને આડેહાથ લેતા સવાલ કર્યો કે જો જમ્મુ-કાશ્મીરની ચિંતા હતી જ તો શા માટે આટલા વર્ષો સુધી કલમ ૩૭૦ અસ્થાયી રાખી તેને કાયમી કરવા માટે શા માટે કોઈ પગલાં ના લીધા.
મોદીએ દેશને પ્લાસ્ટિકથી મુક્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે પ્લાસ્ટિક-મુક્ત ભારત બનાવવાનો સમય હવે આવી ગયો છે. આ દિશામાં આવતી બીજી ઓક્ટોબરે સરકાર એક મહત્ત્વનું પગલું ભરવાની છે. મોદીએ કહ્યું કે શું આપણે સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી ભારતને મુક્ત કરી ન શકીએ? આ વિચારને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. આવતી બીજી ઓક્ટોબરે આપણે એક મહત્ત્વનું પગલું ભરીશું.
મોદીએ દુકાનદારોને એક મહત્વની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, દુકાનદારો પ્લાસ્ટિકમાંથી મુક્તિ અપાવવા અને ડિજિટલ પેમેંટને પ્રોત્સાહન આપવાની દિશામાં અસરકારક યોગદાન આપી શકે છે. તેમણે કહ્યું હતું કે, દુકાનદાર જે રીતે પોતાને ત્યાં ‘આજે રોકડા-કાલે ઉધાર’ના બોર્ડ લગાવે છે, આવી જ રીતે પ્લાસ્ટિક અને ડિજીટલ પેમેન્ટ મામલે જાગૃતિ લાવવાના બોર્ડ પણ લગાવી શકે છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં દેશમાં થઈ રહેલા વસતિ વિસ્ફોટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે આપણે વિચારવાનું છે કે શું આપણે આપણા બાળકોની મહત્વકાંક્ષાઓને ન્યાય આપી શકીશું. વસતિ વિસ્ફોટ અંગે ચર્ચા અને જાગરૂકતા માટેની તાતી જરૂરિયાત છે. આ સમસ્યાથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ યોગ્ય પગલા લેવાની જરૂર છે. તેમને કહ્યું કે સતત અને ઝડપી દરે વધી રહેલી વસ્તી દેશ સામે મોટી સમસ્યા છે.
દેશમાં જળસંરક્ષણની જરૂર છે. આ માટે જળ શક્તિ મંત્રાલય બનાવાયું છે. બાળકો સાથેના અપરાધને સહન નહીં કરવામાં આવે. તેને રોકવા માટે કડક કાયદો બનાવાયો. ૨૦૧૯ બાદનો સમય દેશની આકાંક્ષાઓને પુરો કરવાનો છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશની મુસ્લિમ દિકરીઓ ડરી ગયેલી જિંદગી જીવી રહી હતી, ભલે તે ત્રણ તલાકનો ભોગ ન બની હોય પરંતુ તેના મનમાં ડર રહેતો હતો. ત્રિપલ તલાકને ઇસ્લામના દેશોએ ખત્મ કરી દીધો હતો, તો આપણે કેમ ન કર્યો. જો દેશમાં દ હેજ, ભ્રૂણ હત્યા વિરુધ્ધ કાયદો બની શકે છે તો ત્રિપલ તલાક વિરુધ્ધ કેમ નહીં.
સંપત્તિનું સર્જન કરનારને શંકાની નજરે ન જોવું જોઇએ, તે દેશની મૂડી છે. જ્યારે સંપત્તિ સર્જન થશે તો સંપત્તિનું વિતરણ થઇ શકે છે.’ મોદીએ કહ્યું કે, સંપત્તિ સર્જન બહુજ જરૂરી છે. જે દેશમાં સંપત્તિ સર્જન કરી રહ્યા છે, તે ભારતની મુડી અને અમે તેમનું સન્માન કરીએ છીએ.