૭૩ કી.મી.નું અંતર સ્કેટિંગ કરીને પિતા-પુત્રની ત્રિપુટીએ લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યું

615

કોઈ પણ નવો રેકોર્ડ બનાવો એટલે એની નોંધ વર્લ્ડ રેકોર્ડ બુક, લિમ્કા બુક, ગિનિસ બુક કે પછી એશિયા બુકમાં કરવામાં આવે છે. બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકરનું નામ આ દરેક રેકોર્ડ બુકમાં જોવા મળશે. અનોખો રેકોર્ડ સર્જ્યા બાદ સાગર ઠાકરે ૭૩મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અનોખી રીતે કરતા એક નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. સાગરે પોતાના બંને પુત્ર રિધાન અને રુદ્રાક્ષ સાથે મળીને ૨૪ કલાકમાં ૭૩ કી.મી.નું અંતર સ્કેટિંગ કરીને કાપ્યું હતું અને આ પિતા પુત્રની ત્રિપુટીએ આ નવા રેકોર્ડનું સર્જન કરી લિમ્કા બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

આજના યુગમાં બાળકોમાં મોબાઈલ અને ટેબલેટનો ઉપયોગ ઘણો વધી ગયો છે, જેના કારણે બાળકો બાહ્ય દુનિયાને ભૂલી રહ્યા છે અને બાળકોમાં સાહસનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો પોતાના બાળકોમાં સાહસનું પ્રમાણ વધે અને બાહ્ય દુનિયાનો આનંદ મેળવી શકે તેવા હેતુથી સાગર ઠાકર પોતાના ૯ અને ૬ વર્ષીય બાળકો સાથે સ્કેટિંગ રેકોર્ડ બનાવવાં નીકળ્યા હતા અને બંને બાળકોએ પણ આ સાહસ કરતા કરતા ખૂબ આનંદ માણ્યો હતો.

પિતા પુત્રની આ ત્રિપુટીએ રેકોર્ડની શરૂઆત ૧૫મી ઓગષ્ટના રોજ તાપી જિલ્લાના વ્યારાથી કરી હતી અને વ્યારાથી સોનગઢ થઈ ભારતના આઝાદીના ૭૩ વર્ષ જેટલા ૭૩ કિલોમીટરનું અંતર સ્કેટિંગ પર કાપી બારડોલી પહોંચી રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. આ રેકોર્ડ નોંધાવ્યા બાદ પોતાના વતન પરત ફરેલા પિતા પુત્રની આ સાહસિક કામગીરીને ગ્રામજનો દ્વારા બિરદાવી હતી અને ઉત્સાહ પૂર્વક તેઓનું સ્વાગત કર્યું હતું.

Previous article૭૦ વર્ષનું કામ અમે ૭૦ દિવસમાં કર્યુ : મોદી
Next articleહારીજ ખાતે દોઢ દિવસમાં આઠ ઈંચથી વધુ વરસાદ