હારીજ ખાતે દોઢ દિવસમાં આઠ ઈંચથી વધુ વરસાદ

516

દેશના ૭૩માં સ્વાતંત્રતા દિન અને ભાઈ બહેનના પવિત્ર દિવસ રક્ષાબંધનના પર્વની ઉજવણી સાથે-સાથે પાટણ જિલ્લાના હારીજ ખાતે આજે વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થતાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે ગુરૂવાર સવારે છથી તે શુક્રવાર સવારે ૬ વાગ્યા સુધીમાં ૫ ઇંચ વરસાદ પડ્‌યો છે અને પછી પણ બે ઇંચ પડતા કુલ આઠથી નવ ઇંચ જેટલો વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં પાણી પાણી કરી મુક્યા હતા. હારીજ ખાતે દોઢ દિવસમાં આઠ ઈંચ વરસાદ પડતાં ત્રણ દરવાજાથી જલારામ પાર્ક સુધી પાણી ભરાયા હતા. જેમાં જલારામ પાર્કમાં રસ્તા પરના મકાનોમાં પાણી ઘરમાં ના ઘૂસે તે માટે લોકોએ પાળા કરવા પડ્‌યા હતા. જ્યારે બેચરાજી બાયપાસ રોડ ઉપર ભીલપુરા રોડ પર પાણી ભરાતા અનેક વાહનો, બાઇકચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સમગ્ર દિવસ દરમિયાનના સાધનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. બેચરાજી બાયપાસ રોડ પર આવેલી શિવવિલા, હસ્તિનાપુર, સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. હસ્તિનાપુર રહેણાંક મકાનોમાં પાણી ફરી વળતાં ભારે મુશ્કેલી સર્જાઇ હતી. સોમનાથનગર રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. હારીજ પંથકમાં ઠેર-ઠેર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્યમાં વરસી રહેલા વરસાદે વરસાદી માહૌલ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં ૪૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં ૧૫૫ મીમી અને મહેસાણા જિલ્લાના સતલાસણામાં ૧૪૬ મીમી મળી બે તાલુકાઓમાં ૬ ઇંચ અને પાટણ જિલ્લાના હારીજમાં ૧૨૫ મીમી એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૬/૯/૧૯ સવારે ૬/૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ખેડબ્રહ્મા તાલુકામાં ૧૧૦ મીમી, દાંતામાં ૧૦૮ મીમી, સિદ્ધપુરમાં ૧૦૧ મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં ૪ ઇંચ જ્યારે અમીરગઢ તાલુકામાં ૮૯ મીમી ઉંઝામાં ૮૬ મીમી, મોડાસામાં ૮૨ મીમી, ભિલોડામાં ૮૦ મીમી,પાલનપુરમાં ૭૮ મીમી, ઇડરમાં ૭૩ મીમી, કોટડા સાંગાણીમાં ૭૨ મીમી મળી કુલ ૭ તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વડગામમાં ૬૯ મીમી, વિજયનગરમાં ૬૯ મીમી, માલપુરમાં ૬૫ મીમી, હિંમતનગર-વિજયનગરમાં ૬૩ મીમી, ડીસામાં ૬૨ મીમી, દાંતીવાડા-વડનગરમાં ૫૦ મીમી, વડાલીમાં ૫૪ મીમી, સમીમાં ૫૧ મીમી, પાટણ-લાખવડમાં ૫૦ મીમી, છોટાઉદેપુરમાં ૪૮ મીમી અને ખાનપુરમાં ૪૭ મીમી, મળી કુલ ૧૪ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ચાલુ મોસકનો સરેરાશ વરસાદ ૮૬.૪૫ % જેટલો નોંધાયો છે જેમાં કચ્છ રિજીયનમાં ૧૦૨.૦૪ % ઉત્તર ગુજરાતમાં ૬૪.૨૦ %, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૧.૭૫ %, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૫ % અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૨.૩૭ % જેટલો સરેરાશ વરસાદ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે , આજે સવારે ૬ થી બપોરના ૧૨/૦૦ કલાક દરમિયાન હારીજમાં૭૦ મીમી, એટલે કે બે ઇંચ જેટલો જ્યારે બેચરાજી, પાનલપુર, વડગામ, દીયોદર, વાંસદા અને દસાડામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજ્યના ૫૦થી વધુ તાલુકામાં સીઝનની ૪૦ ઇંચથી વધુ વર્ષા

ગુજરાત રાજયમાં મોટાભાગના વિસ્તારો, પંથકો અને ભાગોમાં ચાલુ વર્ષે સારો એવો અને સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.  ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન થતાં ગુજરાતના ૫૦થી વધુ તાલુકામાં અત્યાર સુધીમાં ૧૦૦૦ મિમી(૪૦ ઇંચ)થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ૧૦૩ તાલુકાઓમાં ૨૦થી ૪૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ૯૧ તાલુકાઓમાં ૧૦થી ૨૦ ઇંચ, ૮ તાલુકાઓમાં સૌથી ઓછો ૫થી ૧૦ ઇંચ વરસાદ પડ્‌યો છે. હજુ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં ઝોન દીઠ જોઇએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૪૫૧ મિમી એટલે કે, ૫૭ ઇંચ જેટલો અને સૌથી ઓછો કચ્છમાં ૪૦૯ મિમી વરસાદ નોંધાયો છે. સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થતાં જળસપાટી ૧૩૨.૩૦ ફુટ પર પહોંચી હતી. ગત વર્ષ કરતાં પાણીની આવક વધી છે. પાણીનો કુલ જથ્થો ૭૪૦૮.૦૯ કયુબીક મીટર છે, જે ગત વર્ષ કરતાં વધુ છે. આ સાથે જ ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા.

આ સાથે જ ડેમ સાથે જોડાયેલા આરબીપીએચ મારફતે વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ કુલ ૮૭ ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂનમાં ૨.૫ ઇંચ, જુલાઈમાં ૯ ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં ૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ,  રીતે સીઝનનો કુલ ૨૫ ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ગત ૯ ઓગસ્ટથી ૧૨ ઓગસ્ટ સુધીમાં અમદાવાદમાં ૨૩ ટકા વરસાદ ખાબકતા સીઝનની ટકાવારી ૬૩ ટકા થઈ ગઈ છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના બે ગેટ પણ ખોલવા પડ્‌યા હતા. અમદાવાદમાં અત્યાર સુધીમાં ૪૯૦ મિમી જેટલો વરસાદ પડ્‌યો છે. જ્યારે ધંધુકામાં સૌથી વધુ ૧૦૦ ટકા વરસાદ પડી ચૂક્યો છે.

Previous article૭૩ કી.મી.નું અંતર સ્કેટિંગ કરીને પિતા-પુત્રની ત્રિપુટીએ લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યું
Next articleદેશને સુરક્ષિત, પ્રગતિશીલ બનાવવા પ્રતિબદ્ધ બનીએ