ટ્રસ્ટોના ૨.૫૦ કરોડથી વધુ દસ્તાવેજોનું ડિજિટલાઈઝેશન પૂર્ણઃ પ્રદીપસિંહ જાડેજા

674
guj2522018-8.jpg

ગુજરાતમાં ટ્રસ્ટીશિપની ભાવનાથી અનેક ટ્રસ્ટો સામાજિક સેવાઓ કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં જાહેર ટ્રસ્ટ એક્ટ હેઠળ ૨.૪૪ લાખથી વધુ ટ્રસ્ટો અને સોસાયટી એક્ટ હેઠળ ૮૯ હજાર જેટલાં ટ્રસ્ટ નોંધાયેલા હોવાનું કાયદા રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.વિધાનસભા ગૃહમાં ચેરિટી તંત્રને લગતા પ્રશ્નમાં વિગતો આપતા કાયદા રાજ્યપ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં જાહેર ટ્રસ્ટોની નોંધણીની અને બિન તકરારી ફેરફાર રીપોર્ટને લગતી કામગીરી વધુ સારી રીતે હાથ ધરવામાં આવે અને તે દ્વારા ગુજરાતમાં ટ્રસ્ટીશિપની ભાવના વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ચેરિટી તંત્રની કામગીરી વધુ ગતિશીલ અને અસરકારક બને તે માટે અમદાવાદમાં વસ્ત્રાપુરમાં પબ્લિક ટ્રસ્ટ એકાઉન્ટ ફંડમાંથી રૂા.૧.૫૯ કરોડના ખર્ચે નવી ચેરીટી કમિશનરની કચેરી કાર્યરત કરવામાં આવી છે. ચેરિટી તંત્રની કચેરીઓમાં અરજદારો, પક્ષકારો, ટ્રસ્ટીઓ વકીલોને જિલ્લા લેવલે ન્યાય મળી રહે તે હેતુથી નવી આઠ નોંધણી કચેરીઓ તાપી, મહીસાગર, છોટા ઉદેપુર, અરવલ્લી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબી ખાતે શરૂ કરવામાં આવી છે. ભાવનગર અને મહેસાણા ખાતે સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરીઓ શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારનો અભિગમ જાહેર સખાવતોની ભાવના વધુ વિકસે તેને પ્રોત્સાહિત કરવાનો છે. રાજ્યના તમામ જિલ્લામાં ચેરિટી તંત્રના અલાયદા ભવનો બને તે માટે રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. ચેરિટી તંત્રમાં હવે જાહેર ટ્રસ્ટોને લગતા તમામ દસ્તાવેજોનું ડિજિટિલાઇઝેશન કરવાની કામગીરી પૂર્ણતાને આરે હોવાનું જણાવતાં જાડેજાએ વધુમાં જણાવ્યું કે, હાલમાં ૨.૫૦ કરોડ જેટલા દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.
કાયદા રાજ્યકક્ષાના પ્રધાને વધુમાં જણાવ્યું કે, જાહેર ટ્રસ્ટોના કીમતી દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન થવાના કારણે જાહેર ટ્રસ્ટોને રક્ષણ મળ્યું છે. મૂળ ટ્રસ્ટીઓ અવસાન પામ્યાં હોય અને અયોગ્ય વ્યક્તિઓના હાથમાં ટ્રસ્ટનો કબજો જતો રહેવાથી ટ્રસ્ટની કરોડો રૂપિયાની સંપત્તિ સલવાઇ ન જાય તે માટે ચેરિટી તંત્ર દ્વારા આવા કિસ્સાઓમાં સુઓ મોટો દાખલ કરી વહીવટદાર નીમીને ટ્રસ્ટીઓની મિલકત બચાવવામાં આવી છે. રાજ્યમાં કુદરતી હોનારતો વખતે ટ્રસ્ટોને જોડવાની ભાવના વધુ વિકસે તે માટે ટ્રસ્ટોને પ્રેરિત કરવાનો પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ  હાથ ધરવામાં આવ્યો છે.

Previous articleગુજરાત સરકારની gspcમાં ૧૪ હજાર કરોડથી વધુની ખોટ..!
Next articleવિદ્યાર્થીઓની હોલ ટિકિટ ન રોકવા શાળાઓને હુકમ થયા