જૂનાગઢ જિલ્લા કક્ષાની ૭૩માં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી વિસાવદરમાં યોજવામાં આવી હતી. વિસાવદરના શાયોના પેટ્રોલ પંપ, માંડાવડ ખાતે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રીનીતિનભાઇ પટેલે ધ્વજ વંદન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે આપણે સૌ ભારતને વધુ મજબૂત, સુરક્ષિત, સલામત, અને પ્રગતિશીલ બનાવવા કટિબદ્ધ બનીએ. ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, મહાત્મા ગાંધી દેશના સપૂતોને આજે શ્રદ્ધાસૂમન અર્પણ કરવામાં આવ્યા હતા. દેશના રજવાડા એકત્ર કરવા માટે દેશના તત્કાલીન ગૃહ મંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે જવાબદારી ઉપાડી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની નીડરતાથી અને મક્કમતાથી દેશી રજવાડાઓને એકત્ર કરવાની કામગીરી કરી હતી. આ તકે મંત્રીશ્રીએ આરઝી સેનાનાં સેનાપતીઓની વિજયગાથા વર્ણવી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે દેશના સપૂતો વીર સાવરકર, ભગતસિંહ તથા દેશના શહીદો, સ્વાતંત્ર સેનાનીઓ જેને પોતાનું સર્વસ્વ ત્યજી દઈ આઝાદીની લડત કરી શહીદ થયા, જેલ ગયા, અને દમનકારી નીતિનો સામનો કરી આપણને આઝાદી અપાવી ત્યારે આજના દિવસે શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓનું ઋણ સ્વીકારીએ. દેશના સપૂત, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહે લોકસભા અને રાજ્યસભામાં કાયદો પસાર કરાવી અને રાષ્ટ્રપતિની મંજૂરી થી આર્ટીકલ ૩૭૦ જે દેશના વિકાસ માટે બાધારૂપ હતી તેને નાબૂદ કરી.
મંત્રીએ ઉમેર્યું હતું કે સરદાર સરોવર બંધ યોજના દ્વારા રાજ્યના ખેડૂતો, નાગરિકોને લાભ મળશે.નર્મદાની કેનાલ દ્વારા ૧૮ લાખ હેક્ટરમાં ખેડૂતોને લાભ મળી રહયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્રની સૌની યોજનાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી રહી છે જે માટે સરકાર દ્વારા ૧૨ હજાર કરોડ ચુકવવામાં આવ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે, ગયા વર્ષે અછતની સ્થિતિમાં ગુજરાત સરકારે ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરી બે રૂપિયા પ્રતિ કિલો ઘાસ પૂરું પાડવામાં આવ્યું છે. ખેડૂતોની ચિંતા સરકાર કરી રહી છે વડાપ્રધાન દ્વારા દર વર્ષે ખેડૂતોને વાવણી-વાવેતર માટે ખેડૂતોની અનેક યોજના કાર્યરત છે. દરેક ખાતેદારોને રૂપિયા ૬૦૦૦ ની સહાય ભારત સરકાર આપી રહી છે. જૂનાગઢ જિલ્લામાં આ યોજના હેઠળ રૂપિયા ૩૩ કરોડની માતબર રકમ ખેડૂતોના ખાતામાં જમા થઇ છે. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે નિશુલ્ક શિક્ષણ હોય કે મેડિકલ કોલેજ ની સીટ વધારવાની ચિંતા હોય સરકારે કરી છે. સરકાર શ્રી દ્વારા રાજયનો છેવાડાનો માનવી સુખી થાય તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર નિશુલ્ક લઈ રહ્યા છે.સ્ત્રીભ્રૂણ હત્યા, તથા દીકરી જન્મ પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે વિવિધ યોજનામાં ઉમેરો કરીને વ્હાલી દિકરી યોજના અમલમાં મૂકી છે.કોઈ ગરીબ કે મધ્યમ પરિવારનું વ્યક્તિ પણ સારવાર કે પૈસા ના અભાવે સારવારથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા મા વાત્સલ્ય યોજના, પ્રધાનમંત્રી જન ધન આરોગ્ય યોજના હેઠળ સારવાર આપવામાં આવે છે.