રાજય સરકારના ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમને ગુજરાત હાઇકોર્ટની બહાલી બાદ અને સુપ્રીમકોર્ટની પણ રાહત પછી પણ શાળા સંચાલકોને વાગેલા મોટા ઝટકાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. હાઇકોર્ટના સરકારના કાયદાને બહાલી આપતાં સ્પષ્ટ ચુકાદા બાદ પણ હજુ કેટલાક ખાનગી સ્વનિર્ભર શાળાના સંચાલકો મનસ્વી ફી અને તગડી ફી વસૂલવા વાલીઓ પર દબાણ કરી રહ્યા છે અને હવે તો ખાનગી શાળા સંચાલકો રીતસરની નફ્ફટાઇ પર ઉતરી આવ્યા છે અને તે પણ એટલી હદે કે, આવા શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા અપાયેલી હોલ ટિકિટ પોતાની પાસે દબાવી રાખે છે અને વિદ્યાર્થીઓ ફી ભરે પછી જ તે હોલ ટિકિટ આપવાની ધમકી આપે છે. આ વાતની ફરિયાદ સીબીએસઇ સુધી પહોંચતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન(સીબીએસઇ) સત્તાવાળાઓએ આજે એક પરિપત્ર જારી કરી તમામ શાળાઓને કડક સૂચના જારી કરી છે કે, તેઓ કોઇપણ સંજોગોમાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકશે નહી. બોર્ડે આપેલી ટિકિટ સ્કૂલો પોતાની પાસે કોઇપણ સંજોગોમાં રાખી શકશે નહી અને તે વિદ્યાર્થીઓને આપી દેવાની રહેશે. તમામ શાળાઓને બોર્ડના આ નિયમનો કડકાઇથી પાલન કરવા તાકીદ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, તાજતેરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાવાળાઓને પણ આ પ્રકારની ફરિયાદ મળતાં રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હોલ ટિકિટ નહી આપનારી ખાનગી શાળાઓને કડક ચેતવણી આપી હતી અને નહી તો, સરકાર આવી શાળાઓ વિરૂધ્ધ આકરા નિર્ણય લેતા પણ અચકાશે નહી તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સલાહ લઇને નવી રચાયેલી સમિતિ કાર્ય કરશે. નવી વ્યવસ્થા થાય ત્યાં સુધી શાળાઓ નિયત ફી જ લઇ શકશે. કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફી નહી ભરવાને કારણે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી રાખી હોવાની ધમકી અને ફરિયાદનો મામલો સરકાર સુધી પહોંચ્યો છે અને સરકારે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. આવી શાળાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતાં સરકાર સહેજપણ અચકાશે નહી. શિક્ષણમંત્રીએ સુપ્રીમકોર્ટના તાજેતરના હુકમ સંદર્ભે જણાવ્યું હતું કે, શાળાઓ કોઇ પ્રોવીઝનલ ફી જાહેર કરીને લઇ શકશે પરંતુ તેનાથી વધુ ફી લઇ શકશે નહી. પ્રોવીઝનલ ફી એક વચગાળાની વ્યવસ્થા તરીકે હોવાથી તેને ડિપોઝીટ ગણવાની રહેશે. આ પ્રોવીઝનલ ફી સુપ્રીમકોર્ટના ચુકાદાને આધીન રહેશે. દરમ્યાન આ જ પ્રકારની ફરિયાદો સીબીએસઇ સુધી પણ પહોંચતા ખાસ કરીને વૈભવી અને હાઇફાઇ શાળાના સંચાલકો દ્વારા વાલીઓને હોલ ટિકિટ દબાવી રાખી ફી ભરવા ધમકી અપાતાં આખરે સીબીએસઇએ ગંભીર નોંધ લઇને અરજન્ટ આ જરૂરી પરિપત્ર જારી કર્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા અંગેની હોલ ટિકિટ આપી દેવા તાકીદ કરી હતી. તમામ સ્કૂલોને આ સૂચનાનું કડકાઇથી પાલન કરવા પણ સીબીએસઇએ તાકીદ કરી હતી.
ે
બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ બુધવારથી અપાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા માર્ચ માસમાં લેવાતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓની શરૂઆત આગામી તા.૧૨ માર્ચથી શરૂ થઈ રહી છે. પરીક્ષાની તડામાર તૈયારીઓ બોર્ડ દ્રારા શરૂ કરવામાં આવી છે અને આગામી તા.૨૮ ફેબ્રુઆરીને બુધવારથી હોલ ટિકિટનું વિતરણ શરૂ કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશ માટે હોલ ટિકિટ અત્યતં મહત્વની છે અને ફી નિયમનના મામલે અમુક શાળાઓ વિધાર્થીઓને જો પુરી ફી નહીં ભરો તો હોલ ટિકિટ આપવામાં નહીં આવે તેવી ચીમકી આપ્યાની ફરિયાદ બહાર આવતાં બોર્ડે આ વખતે કોઈ વિધાર્થીને હોલ ટિકિટ નહીં મળે તો તે માટે આચાર્યની જવાબદારી રહેશે. બોર્ડના પરીક્ષા સચિવે જણાવ્યું છે કે, જે કિસ્સામાં વિધાર્થીને હોલ ટિકિટ ન મળે તે કિસ્સામાં વિધાર્થીઓએ તાત્કાલીક શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણાધિકારનું ધ્યાન દોરવાનું રહેશે અને બોર્ડ દ્રારા શરૂ કરાયેલી હેલ્પલાઈન નં.૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ નંબરમાં જાણ કરવાની રહેશે.