મન : બંધન કે મોક્ષનું કારણ

537

મૈત્રાયણિ ઉપનિષદ્‌ માં કહ્યું છે.

જે મન આત્માનું દુશ્મન છે તે જ મન આત્માનું મિત્ર પણ છે. ઘરનું તાળું બંધ કરવાની ચાવી જુદી ને ખોલવાની ચાવી જુદી એવું નથી હોતું. જે ચાવીથી તાળું બંધ થાય છે એ જ ચાવીથી તાળું ખુલે છે.

અત્યારે વર્ષાઋતુ ચાલે છે તો દેખાય છે કે જે નદીના પાણીથી લોકોનું પોષણ થાય છે. તે જ પાણીથી મરણ થાય છે, જો એમાં પૂર આવે તો. જે દીવો ઘરને અજવાળે છે તે જ દીવો બાળે પણ ખરો, જો દીવાને ફાનસના ગોળાની વચ્ચે રાખ્યો ન હોય તો. એમ જે મન મારે, તે જ મન તારે પણ છે. તેથી તો ગીતામાં કહ્યું  – આત્મા જ આત્માનો મિત્ર છે ને આત્મા જ આત્માનો દુશ્મન છે.

જે સાપ લોકોને દુઃખદાયી છે. તે જ સાપ મદારીને સુખદાયી છે. જે સિંહ ત્રાસદાયી છે તે સિંહ સરકસવાળાને સુખદાયી છે. જે મન નરકની ખાણમાં ધકેલે છે, તે જ મન ભગવાનના ધામમાં પણ દોરે છે. મન બારી સમાન છે, તે ઊઘડી પણ શકે છે ને બંધ પણ થઈ શકે છે.

મનનું કામ છે જીવ સાથે મૈત્રી બાંધવાનું. પરંતુ તે જીવ સાથે મિત્રતા કરી જીવને વાસનાઓના વમળમાં ફસાવે છે. તે લુચ્ચા શિયાળ જેવું છે.

જૂની વાર્તામાં જેમ શિયાળે કાગડાને ભોળવી તેની ચાંચમાંથી પૂરી પડાવી લીધી તેમ મન જીવના હાથમાંથી ભગવાન અને અધ્યાત્મનો લાભ ઝૂંટવી લે છે.

સારો મિત્ર હોય તો ઉર્ધ્વગતિ થાય ને જો ખરાબ મિત્ર હોય તો અધોગતિ થાય. મન સારા માર્ગે લઈ જતું હોય તો જીવની ઉર્ધ્વગતિ જ છે. પરંતુ એવું બહુ ઓછું જોવા મળે. મનજીભાઈ અને જીવાભાઈની(જીવ=આત્મા) ભાઈબંધીમાં વર્ચસ્વ તો મનજી ભાઈનું જ છે. મનજીભાઈ જેમ દોરે તેમ જીવાભાઈ દોરાય છે. અને અંતે ખાડામાં પડે છે.

માટે તમામ શાસ્ત્રો અને મહાપુરુષો એક જ નિષ્કર્ષ પર આવેલા છે કે મન વશ થાય તો બધું કામ થાય.

શ્રીશંકરાચાર્યે લખ્યું ‘જિતં જગત કેન મનો હિ યેન’ મન જીત્યું તેણે જગત જીત્યું. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત વરતાલ – ૧ માં કહ્યું છે, “બુદ્ધિવાન હોય તેને પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વૈર બાંધવું.”

સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળભક્ત શલુકનો પ્રસંગ પ્રસિદ્ઘ છે. વરતાલ પાસે મહુડિયારા ગામના આ બાળકે પોતાની વાડીમાં ચીભડા વાવ્યા હતા. તેણે સંકલ્પ કરેલો કે પહેલું ચીભડું ઊતારી ભગાવન સ્વામિનારાયણને ભેટ ધરવું. નિત્ય હેતના અમી રેડી રેડીને તેને વ્હાલથી એક ચીભડાને મોટું કર્યું. તેના હૈયાના વ્હાલથી ઊછરેલું. ચીભડું રૂપ, રંગ અને રસથી ભરપુર હતું. તેની મીઠી સોડમ ભલભલાના મન લલચાવી દે તેવી હતી. એક દિવસ શલુક આ ચીભડું ઊતારી વરતાલ મહારાજને ભેટ આપવા ચાલી નીકળ્યો. પણ રસ્તામાં તેના જ મને તેને દગો દેવાનું શરૂ કર્યું. તેને થયું કે મહારાજને તો મોંઘી ભેટો આપનારા ઘણા, મારું ચીભડું તેઓ થોડી સ્વીકારશે, લાવ હું જ ખાઈ જાઉં. પણ પછી મનમાં થાય કે, ‘ના મહારાજને જ ભેટ ધરવી છે, મારાથી ન ખવાય.’ એમ મન સાથે અત્યંત લડાઈ લડતા લડતા તે વરતાલ પહોચ્યોં. ભગવાન સ્વામિનારાયણે આંગળીના ઈશારે તેને બોલાવી માથે બે હાથ મૂક્યા અને તેનું ચીભડું ભરસભામાં જમ્યા. સામે બાળકને ચાર બરફીની માટલી આપી. સૌને આશ્ચર્ય થયું. ભગવાને કહ્યું, “ચીભડું લાવ્યો તેની કિંમત નથી, પણ તે મન સાથે લડાઈ લઈને મનના સંકલ્પોને હઠાવીને આવ્યો છે. માટે અમે રાજી થયા છીએ.” આમ, આ શલુક ભક્તની જેમ આપણે પણ મન સાથે લડાઈ લઈને મોક્ષના માર્ગે આગળ વધીએ.(ક્રમશઃ)

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleલાઈટના અજેવાળે જુગાર રમતા નવ શકુની ૧ લાખના મુદ્દમાલ સાથે ઝબ્બે