ઇડર ગઢ બચાવો સમિતી દ્વારા પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં ત્રીજા દિવસે ગઢ પ્રત્યે અપાર લાગણી માન સન્માન અને મહત્વ ધરાવનાર ગુલાબબા ૯૦ વર્ષની જૈફ વયે પણ આંદોલન કારીઓ સાથે પ્રતીક ઉપવાસ પર બેસી તેમનામાં નવુ જોમ પૂરી રહ્યા છે અને જુસ્સો વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તંત્રને જાણે મેસેજ આપી રહ્યા છે કે ગઢ બચાવવા માત્ર યુવાનો જ નહી પરંતુ બુઝુર્ગો પણ આંદોલન કરવામાં સક્ષમ છે.
આંદોલન નવેસરથી શરૂ થયું છે અને શનિવારે ત્રીજા દિવસે વધુ ૧૦ વ્યક્તિઓ પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. જેમની સાથે ૯૦ વર્ષના ગુલાબ બા પણ જોડાતા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. ગુલાબબા દાયકાઓથી ઇડરગઢ પર સંત મહાત્માઓની સેવા કરી ચૂક્યા છે.ગઢ પર લખુમાનો આશ્રમ છે તેમની પણ સેવા કરી છે. ગઢ પ્રત્યે અપાર સ્નેહ અને લાગણી ધરાવે છે. શનિવારે પ્રતીક ઉપવાસમાં જોડાતા તેમણે જણાવ્યું કે, વીસે-વીસ દિવસ પ્રતીક ઉપવાસમાં જોડાઇશ અને ગઢ બચાવવા જરૂર પડે આમરણ અનશન પર બેસવુ પડશે તો પણ બેસીશ. ૯૦ વર્ષની જૈફ વયે પણ તેમનો જુસ્સો યુવા આંદોલન કારીઓમાં નવુ જોમ પુરી રહ્યો છે.