ભાવનગર જિલ્લાનાં શામપરા(સીદસર) ગામે ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ હતી,આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધ્વજવંદન કરી સલામી ઝીલી હતી અને જણાવ્યું હતું કે ૭૩મા સ્વાતંત્ર્ય પર્વના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ છે . સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી જેવાં વિર સપુતો થકીજ રાષ્ટ્ર એકતાના બંધને બંધાયુ હતુ. એક ભારત શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા અને આતંકના આકાઓને જડબાતોડ જવાબ આપવા દેશના પ્રધાનમંત્રી અને ગ્રુહમંત્રીની જોડીએ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી તે દર્શાવે છે કે કેન્દ્ર સરકાર લોકોને આપેલાં વચનો પુરા કરવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે સેવાસેતુ, મા અમૃતમ, વ્હાલી દિકરી યોજના, ૧૭ પ્રકારના એન. ઓ. સી. ઓનલાઈન કરી અને લોકસેવાની આહલેક જગાવી છે, પાણી પ્રભુનો પ્રસાદ હોવાથી તેનો કરકસરપુર્ણ ઉપયોગ, ૧૦ કરોડ છોડ રોપી તે ઝાડનું સ્વરૂપ ધારણ કરે ત્યાં સુધી તેની જાળવણી કરવી તે એકમાત્ર ગ્લોબલ વોર્મિગનો ઉપાય રાજ્ય સરકારે અમલમાં મુક્યો છે.
આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, ટ્રાફિક પોલીસ, અશ્વદળ, મહિલા પોલીસ, જિલ્લા પોલિસ તેમજ હોમગાર્ડ ના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગા ને સલામી આપી હતી.
આ પ્રસંગે માન. મંત્રીએ ભાવનગર જિલ્લા કલેકટર હર્ષદ પટેલને ભાવનગર ગ્રામ્ય તાલુકાના વિકાસ અર્થે રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો, તેમણે આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમત માં સિદ્ધિ મેળવેલ ખેલાડીઓનું સન્માન કર્યુ હતું અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લાનાં સામુહિક આરોગ્ય કેન્દ્રોને કાયાકલ્પ એવોર્ડ, જિલ્લા હોમગાડ્ર્ના સાર્જન્ટ, સર. ટી. હોસ્પિટલના અધિકારીનું, જિલ્લાની મામલતદાર,પોલીસ, પ્રાંત, પી. જી. વી. સી. એલ, તાલુકા પંચાયત કચેરીનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યુ હતું. મીઠાપર ગામે લોકોના જીવ બચાવવાની કામગીરી કરવા બદલ જિલ્લા ડીઝાસ્ટર ટીમનુ, આખલોલ જકાતનાકા અકસ્માત દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ નાયબ મ્યુનિસીપલ કમિશનર એન. ડી. ગોવાણીનુ પણ સન્માન કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રજુ કરનારા વિધાર્થીઓનું પણ મંત્રીએ સન્માન કર્યુ હતુ, માન. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્યો આર. સી. મકવાણા, કનુભાઈ બારૈયા, પ્રવિણભાઈ મારૂ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા, ઉપપ્રમુખ ગોહિલ, બાંધકામ સમિતીના ચેરમેન ગૌતમ ચૌહાણ, કારોબારી સમિતીના ચેરમેન ભરત હડીયા, રેન્જ આઈ. જી. અશોકકુમાર યાદવ, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, જિલ્લા પોલીસ અધિક્ષ જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી ચૌધરી, ગ્રામ્ય મામલતદાર કે. એમ. સંપટ, નાયબ પોલીસ અધિક્ષક ઠાકર, ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી તાવિયાડ, રહેવર, તિજોરી અધિકારી પાદશાહ સહિત જિલ્લાની સંબંધિત કચેરીઓના અધિકારી સહિત લોકો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.