રામોલ પોલીસે નકલી એચએસઆરપી નંબર પ્લેટ સાથે વેપારી અને અન્ય એક શખ્સની ધરપકડ કરી હતી. આ મામલે વધુ એક આરોપીની મુંબઇથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી ગુજરાતના આરટીઓની અનેક નંબર પ્લેટ કબ્જે કરી છે. રાજ્યની આરટીઓની નકલી નંબર પ્લેટો બનાવવાનું મોટું કૌભાંડ મુંબઇમાં ચાલતું હોવાનું પડદાફાસ્ટ થયો છે. આ મામલે હજુ અનેક ખુલાસા થાય તેવી શક્યતા જણાઇ રહી છે.
રામોલ પોલીસે ગઇકાલે વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી કિરણ ગલ્સર નામના શખ્સની ૩૨ જેટલી નકલી એચએસઆરપી નંબર પ્લેટ ઝડપી હતી. જેની પૂછપરછમાં મુંબઇથી આ નંબર પ્લેટો લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. રામોલ પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવી મુંબઇ ખાતે તપાસ કરી હતી. જેમા ગોરેગાવ વિસ્તારમાં આ નંબર પ્લેટ બનાવવામાં આવતી હતી. નંબર પ્લેટ બનાવનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી નંબર પ્લેટ બનાવવાનો સામાન કબ્જે કર્યો હતો. ઉપરાંત ગુજરાત આરટીઓની અનેક એચએસઆરપી નંબર પ્લેટો મળી આવી હતી. આરોપી નકલી એચએસઆરપી નંબર પ્લેટ બનાવી અને ગુજરાતમાં સપ્લાય કરતો હતો. મુંબઇથી ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા જણાઇ રહી છે.