BSFની ફિઝિકલ પરીક્ષામાં ૧૫ ડમી ઉમેદવારો ઝડપાયા, એક ફરાર

410

ગાંધીનગરના ચિલોડા બીએસએફ કેમ્પસ ખાતે ૧૩ ઓગસ્ટના રોજ ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટ યોજાઈ હતી. સાડા ત્રણસો જેટલા ઉમેદવારોમાંથી ૧૫ જેટલા ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ લેતા તેમને લેખિત સમયે આપેલા ફિંગરપ્રિન્ટથી મેચ થતા ન હતા. જેને પગલે તમામ વિરૂદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ભરતીમાં છેતરપીંડીનો ગુનો નોંધાયો છે.

મનજીતસિંગ મનમોહનસિંગ (૫૩ વર્ષ, રહે-જોટાણા, મહેસાણા) ૧૫૪ બટાલીયન બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કમાન્ડર તરીકે ફરજ બજાવે છે. જેઓ હાલ કોન્સ્ટેબલ જનરલ ડ્‌યુટી ભરતી બોર્ડમાં પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે ગાંધીનગર આવ્યા છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ લેખિત અને ફિઝિકલ પરીક્ષા સમયે લેવાયેલ ફિંગરપ્રિન્ટ અને ફોટો મેચ ન થયા હોય તેવા ૧૫ ઉમેદવારોને અલગ બેસાડાયા હતા. તમામની અલગ-અલગ પૂછપરછકરતાં તેઓએ ભરતી પ્રક્રિયામાં પાસ થવા પોતાના સ્થાને બીજાને લેખીત પરીક્ષામાં બેસાડ્‌યો હોવાનું કહ્યું હતું. જેને પગલે તમામ સામે આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે.

૧૪ આરોપીમાંથી કોઈ ગુજરાતનું રહેવાસી ન હોવા છતાં તમામ પાસેથી ગુજરાતના ડીસાના ખોટા આધારકાર્ડ મળી આવ્યા છે. પોલીસે તમામને કોર્ટમાં રજૂ કરતાં ૧૦ દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર થયા છે.

ઉમેદવારોની કબૂલાત બાદ બીએસએફ દ્વારા ૧૪ લોકોને ચિલોડા પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયા હતા. જોકે, બનાસકાંઠામાં ડિસાના ભોયણ ગામનો સુનિલ રામઅવતાર રાવત ભાગી છૂટવામાં સફળ થયો હતો. જેની પોલીસે શોધખોળ આદરી છે.

Previous articleફોરેક્સ કરન્સીમાં રોકાણ કરવાનું કહી ઠગ ટોળકીએ એકાઉન્ટન્ટના એક લાખ રૂપિયા પડાવ્યા
Next articleસેક્ટરોમાં એક સપ્તાહથી ડહોળું પાણી આવતા નગરજનોમાં રોગચાળાની ભીતિ