ગાંધીનગર સેક્ટર ૨૩માં આવેલી શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ (ઝ્રમ્જીઈ)માં સતત બીજા દિવસે વાલીઓએ ફી ભરવાને લઇને હોબાળો મચાવ્યો હતો.
શાળા સંચાલકો દ્વારા પ્રોવિજનલ ફી ભરવાનો આદેશ કરતા વાલીઓએ માત્ર સરકારે નક્કી કરેલી ફી ભરવાનો આગ્રહ કરતા મામલો બિચક્યો હતો. શુક્રવારે થયેલી ચડભડને લઇને આજે બેઠકનુ આયોજન કરાયુ હતુ પરંતુ નિરર્થક રહ્યુ હતુ. ફી વધારાની આગ વધુ પ્રસરે તેવા એંધાણ છે.
એક વાલીએ કહ્યુ કે શાળા સંચાલકો એક જ વાતનુ રટણ કરી રહ્યા છે કે જૂની ફી પ્રમાણે તમે રૂપિયા ચૂકવી દો. જ્યારે વાલીઓ સરકારે નક્કી કરેલી ૧૫ હજાર, ૨૫ હજાર અને ૨૭ હજાર ફી પ્રમાણે રૂપિયા ચૂકવવા માગે છે.
શનિવારે શાળા કેમ્પસમાં વાલીઓ અને સંચાલકો વચ્ચે આ બાબતે તૂં તૂં મૈ મૈ થઇ હતી. પરંતુ કોઇ નિવેડો આવ્યો ન હતો. શાળાના આચાર્યા ભારતીબેન પટેલે આ બાબતે કહ્યુ કે, સુપ્રિમ કોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા વચગાળાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં શાળા એન્ટ્રીમ ચૂકાદા મુજબ પ્રોવિઝનલ ફી વાલીઓ પાસેથી લઇ શકે છે.