દેશના પાંચ રાજ્યો ભારે વરસાદના કારણે પૂરમાં ફસાયેલા છે. કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અત્યાર સુધીમાં કુદરતના કહેરના કારણે ૨૪૧ લોકોના જીવ ગયા છે. જેમા સૌથી વધારે કેરળમાં ૧૧૧ જેટલા લોકો મોતને ભેટ્યા છે. મધ્ય પ્રદેશમાં ૭૦, મહારાષ્ટ્રમાં ૫૪, રાજસ્થાનમાં પાંચ અને આંધ્ર પ્રદેશમાં એક વ્યક્તિનું મોત થયુ છે. હવામાન વિભાગે રાજસ્થાન અને પંજાબમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહી મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. દેશના ઘણા રાજ્યો ભારે વરસાદના કારણે પૂરમાં ફસાયેલા છે. ઉત્તરાખંડ સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ અને પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. પહાડી રાજ્યોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. અનેક જગ્યાઓ પર વાદળ ફાટવાની ઘટનાઓ પણ બની છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ૨ દિવસ સુધી ભારે વરસાદનુ એલર્ટ જાહેર કર્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ ચાલુ છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે.
શ્રીનગરના રાજબાગ વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થયું છે. આ દરમિયાન કોઈ મોટી દુર્ધટના નથી બની. ઉત્તરાખંડમાં ઉત્તરકાશી,રુદ્રપ્રયાગ, ટિહરી, પૌડી અને કુમાઉના અનેક ભાગમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના બારગી બંધના ૧૫ ગેટ ખોલ્યા બાદ બારના નદીનું પાણી બેકાબૂ બન્યું છે. આ સાથે જ અનેક ગામો ટાપુમાં ફેરવાઈ ગયા છે.
ભારે વરસાદના કારણે ભોપાલ- જબલપુર માર્ગ બંધ થયો છે. રાજસ્થાનના કોટા બૈરેજથી પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે અને વરસાદના કારણે એમપીમાં ચંબલ અને પાર્વતી નદીમાં પૂર આવ્યું છે.