આવક ઘટી જતા ગુજરાતમાં શાકભાજીના ભાવમાં વધારો

579

ગુજરાત મધ્ય પ્રદેશ અને મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અમદાવાદના શાકભાજી માર્કેટ પર તેની અસર પડી છે. ભારે વરસાદના પગલે અનેક હાઇવે બંધ છે તો, મહારાષ્ટ્ર તરફથી આવતાં શાકભાજીની ટ્રકો ફસાઇ હોવાથી અમદાવાદ આવી નથી. તેની માર્કેટ પર અસર પડી છે અને વેપારીઓ પોતાનો માલ સમયસર પહોંચતો ન હોવાથી માલની હેરાફેરી બંધ કરી છે. આવક ઘટવાના કારણે લીલા શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને ભાવો જાણે આસમાને પહોંચ્યા છે. જેના કારણે સામાન્ય મહિલાઓ અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ગુજરાતમાં ધોધમાર વરસાદથી પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી છે. પરંતુ ભારે વરસાદના કારણે શાકભાજીની આવક પણ ઘટી છે. પરિણામે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સીંગતેલ અને કઠોળના ભાવ વધારા પછી હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે ૩૦-૪૦ રૂપિયે મળતા શાકભાજી અત્યારે ૮૦થી ૧૦૦ રૂપિયાના ભાવે વેચાઇ રહ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં ભારે વરસાદના કારણે શાકભાજી ઉપરાંત અન્ય ચીજ-વસ્તુઓની આવકમાં ઘટાડો થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ઠેર-ઠેર પાણી ભરાતા પરપ્રાંતથી આવતી શાકભાજીની આવકમાં પણ ૪૦ ટકાનો ઘટાડો થયો છે, જેથી ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકા જેટલો વધારો થયો છે.  લગભગ બમણા ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બજેટ ખોરવાયા છે. વરસાદને કારણે પાક પાણીનું ચિત્ર સુધરી ગયું છે. શાકભાજી ભારે વરસાદને કારણે ધોવાઈ ગયા છે. જેને કારણે દરેક શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. સૌથી વધુ રીંગણા મોંઘા બન્યા છે. ચાર પાંચ દિવસ પહેલા ૧૦-૧૫ રૂપિયાના કિલો વેચાતા રીંગણા યાર્ડમાં હરાજીમાં રૂ. ૧૩૦માં વેચાયા હતા. જ્યારે છૂટક માર્કેટમાં રૂ.૧૫૦ સુધી ભાવ બોલાયા હતા. ધ્રાબડિયા વાતાવરણને કારણે રીંગણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે. જે ફૂલ અને કળી આવી હતી. તે ખરી ગઈ છે. જેથી ભાવ વધ્યો છે. સીઝનમાં ૧૦૦ ટન જેટલી આવક થાય છે તેના બદલે હાલની આવક માત્ર ૫ાંચ ટન જ છે. આ સિવાય અન્ય શાકભાજીનો ભાવોમાં પણ જોરદાર ઉછાળો નોંધાયો છે.

Previous articleશિક્ષકો સાવધાન..!! હવે નહિ મળે પ્રાઈવસી, ‘કાઇઝાલા’ ડાઉનલોડ કરવા આદેશ
Next articleપારસી અગાયરીમાં પુજન કરી નવા વર્ષના અભિનંદન પાઠવ્ય