ગુજરાત વિધાનસભાની સોમવારે મળનારી બેઠકમાં વિરોધપક્ષ દ્વારા સરકારને ઘેરવામાં આવશે. આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે, કેમકે સોમવારે વિધાનસભા ગૃહમાં પાટણના દલિત આત્મવિલોપન મુદ્દો ઉઠશે. જેમાં દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર અને કિરીટ પટેલ ગૃહ ગજવશે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભથી જ વિપક્ષ દ્વારા સરકાર સામે આક્ષેપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં પીવાના પાણી, ખેડૂતો અને દલિત અન્યાયના મુદ્દે પ્રશ્નોત્તરી અને ચર્ચા દરમિયાન સરકાર સામે લડી રહ્યા છે, જેમાં ભૂતકાળની મોદી સરકારથી લઇને રૂપાણી સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે
આ સંજોગોમાં શનિવાર અને રવિવારની રજા બાદ સોમવારે મળનારી વિધાનસભાની બેઠકમાં નિયમ ૪૪ હેઠળ શૂન્યકાળમાં તાકીદની જાહેર અગત્યની બાબત પર અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં મુદ્દો ઉપસ્થિત કરશે. સમગ્ર ગુજરાતમાં ચગેલા પાટણના દલિત આત્મવિલોપન મુદ્દે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠશે, સોમવારે ઊભા થનારા આ મુદ્દાને ખાળવા સરકારે પણ તૈયારી કરી છે, તેથી સોમવારે વિધાનસભા સમરાંગણ બનશે.