તને જીવતાં, પામતાં શીખવું તે એક કળા જ નથી પણ કૌવત હોય છે. જે તેમ નથી કરી શક્યા કે સમજવાં, પામવાં અધૂરાં સાબિત થયાં તે રગદોળાયા, રડ્યાં, રઝળ્યા છે.કાશ..! તું પોતેજ ટ્યુટર હોત તો!
તારી નાસમજનો આનંદ કે અનુભૂતિ પછી કદીય થઈ નથી.એ શૈશવના દિવસોમાં તારી નિર્દોષતા મને તથા અનેકોને તારી પાસે ખેંચી લાવવા કેવી ચુંબકીય તાકાત દશૉવતી હતી.યૌવનના એ દિવસો જીવી જાણ્યા કે જ્યારે કોઈ પળ બેસુરી લાગતી નહોતી. સ્વર્ગીય સુખનો ’ગલેમર ટચ ’ તે સતત કરાવ્યો છે. મસ્ત, મસ્તાનગીની ગુલછડીનો સમય તારી સાર્થકતામાં ન્યોછાવર હતો. કોઈ માનુનીના હોઠનું સ્મીત કે ગુલાબની ગુલ્બો તારી પાસે ઝાંખી લાગતી. પછી જાતને ગૌરવ કરવા જેવી તારી કથની અન્યોને કહેતાં જીભ સુકાય કેમ!? કેટલાયની છિન્ન થયેલી સમજ તેને મારી સાથે દ્વેષાત્મક અંકુરોને મહોરતા રાખવા મજબૂર કરતી.
તું સુખ દુખના હથોડા ઝીલીને કસાયેલી બની ગઈ છે. લાગે છે યમદૂતોનું આહ્વાન પણ તું પરત કરી શકે.હા, સૌંદર્યયુક્ત દિવસોમા તારા ઉલ્લાસનો અતિરેક અષાઢી વીજના ચમકારા જેવો પણ દેખાયો નથી. તે સંયમને દાદ આપવી જ રહી. મને તારામાં ક્યાંક જીવતાં આવડ્યુ ,તો ક્યાંક પછડાયો પણ ખરો, પણ શીખ્યો અને ચાલતો થયો .પશુ-પક્ષીઓની ઈર્ષા થઈ આવે છે કે તેમાં વિચાર તથા વ્યવહારના ખાલીપાએ તેને કેવા હળવાફૂલ રાખ્યાં છે. સામાજિક શિસ્ત,બંધનો,હડિયાપાટીમાં તને પીછાણતા અડધું આયખું તો એમ જ પૂરું થયું. જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તારો રોજિંદો ઘટનાક્રમ તો ઘાંચીના બળદ સરખો લાગે છે. પરંતુ તારા અટપટા રસ્તાઓ ક્યાંથી ક્યાં નીકળી જાય તે કલ્પનાસુદ્ધામાં આવતું નથી. તે ચિત્રણો ગોથા ખવડાવતાં અનેકને જોયાં છે.જે સંગાથી છે તેને તું અળખામણી લાગે અને “બિછડે હુએ યા નહિ પા સકે”તેનો તેને ઇન્તજાર રહે.ઢુકડાને ઢુબો અને દરિયાપારના દિદાર ! વાહ ક્યા બાત.!
ગુલઝારના શબ્દો જે માસુમ ફિલ્મ માટે લખાયાં હતાં.
“તુજસે નારાજ નહીં જિન્દગી, હેરાન હું મેં,
તેરે માસુમ સવાલોસે પરેશાન હું મૈ.”
ફરિયાદમાં પૂરતો દમ છે તોય તને સૌ જીવી જાય છે. અંત તરફ તારું ધકેલાવું જાણે બોજ થઈ પડ્યું હોય એમ તેને ઉપાડવાનો હવે ભાર લાગે છે. સૌને જ્યાં સુધી તારી ઉપયોગીતા હતી ત્યાં લગ તને અપાર ચાહી, મમળાવી, બચકાવી છે. શું નથી કર્યું તારા માટે !તારી અસમર્થતા હવે નોનપ્રોડકટીવ બની ગઈ છે. તારી સાથે જીવનારા પણ તને અવગણે છે.તેથી જ તો મારો નાતો’ય તારી સાથે તીતર બીતર થઈ રહ્યો છે.મને હવે તારા અંતનો ભય ડરાવતો નથી. બલ્કે તે શાતા આપી રહ્યો છે.
તને જીવવાનો નફો-તોટો કરતાં તેમાં નફાનું પલડું ભારે છે.સફળતાના કિનારાઓને પકડી પાડવા તે ધસમસતાં પ્રવાહમાં કુદી પડતા મને રોક્યો નહીં, બળ આપ્યું છે. તું આવી જ સૌ કોઈ માટે પેશ થતી રહે ,તો કેવું સારું ! થેન્ક્્યુ જિંદગી..