નવી દિલ્હીઃ ભારતની સ્ટાર દોડવીર હિમા દાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં ચાલી રહેલી એથલેટિકી મિટિનેક રીટર-૨૦૧૯ સ્પર્ધામાં ક્રમશઃ પુરૂષ અને મહિલા વર્ગના ૩૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અનસે પોતાના ટ્વીટર હેન્ડલ પર તેની જાણકારી આપી છે. આ વર્ષે અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયેલ અનસે પુરૂષોની ૩૦૦ મીટર રેસને ૩૨.૪૧ સેકન્ડના સમયની સાથે પૂરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. અનસે મેડલ જીત્યા બાદ ટ્વીટર પર લખ્યું, ’આ ખુશી, ચેક ગણરાજ્યમાં એથલેટિકી મિટિનેક રીટર ૨૦૧૯મા પુરૂષ ૩૦૦ મીટરમા ગોલ્ડ મેડલ ૩૨.૪૧ સેકન્ડના સમય સાથે જીતવાની છે.’રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવતા અનસે આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દોહામાં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપની ૪૦૦ મીટર સ્પર્ધા માટે પહેલા જ ક્વોલિફાઇ કરી લીધુ છે. અનસ સિવાય નિર્મલ ટોમે આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટોમે ૩૩.૦૩ સેકન્ડના સમયની સાથે ત્રીજા સ્થાન પર રહેતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. તો હિમાએ મહિલાઓની ૩૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ભારતીય ખેલ ઓથોરિટી (સાઈ)એ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર હિમાના ગોલ્ડ જીતવાની જાણકારી આપી છે. હિમાએ બે જુલાઈ બાદ યૂરોપમાં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો છે.
હિમાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ ટ્વીટ કરતા કહ્યું, ’ચેક ગણરાજ્યમાં આજે એથકેટિકી મિટિનેક રીટર ૨૦૧૯મા ૩૦૦ મીટર સ્પર્ધામાં ટોપ પર રહી.’