રાજ્યના પોલીસ કર્મચારીની શારિરીક ચુસ્તતા જાળવી રાખવા અને તેમના સ્વાસ્થ્યનું નિયમિત રીતે ચેકઅપ કરાવવા રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ આદેશ આપ્યા છે. જેના પગલે અમદાવાદ જિલ્લા પોલીસના તમામ કર્મચારીઓની ફિટનેસ માટે કાર્યક્રમ શરૂ કર્યા છે. આજે વહેલી સવારે નાઈટમાં હોય તેમના સિવાયના જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓએ પાંચ કિલોમિટર રનિંગ- વોકિંગ કર્યું હતું. આગામી દિવસોમાં તમામ કર્મચારીઓની શારીરિક તપાસ કરવામાં આવશે અને તેના પરથી તેમની ફિટનેસ માટે કસરતો અને વ્યાયામ કરાવવામાં આવશે.
પોલીસ કર્મચારીઓના ફિટનેસ માટે એકપોલીસ રોલ મોડલ પ્રોગ્રામનું આયોજન કરવા રાજ્ય પોલીસવડાએ જણાવ્યું છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાંથી દર અઠવાડીયે સૌથી શ્રેષ્ઠ ફીટનેસ અને ટર્નઆઉટ ધરાવતાં કર્મચારીને પોલીસ રોલ મોડલ ઓફ ધ વીક તરીકે બીરદાવવાનો રહેશે.
દરેક પોલીસ કર્મચારીની ફીટનેસ બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય અને મદદ લેવા માટે ફીટેનેસ કેમ્પનું આયોજન કરવા તથા સરકારી અથવા ખાનગી તબીબો તથા ન્યુટ્રીશન/ફીટનેસ એક્સપર્ટની મદદ લેવા માટે સુચન કર્યું છે.
ખાસ કરીને જે લોકો મોટાપા ધરાવતાં હોય તેમના માટે ખાસ ફીટનેસ પ્રોગ્રામનું આયોજન કરીને તેમને ચુસ્ત-દુરસ્ત બનાવવા અને દરેકનું બોડી માસ ઈન્ડેકસ એટલે કે તેમના વજન-ઉંચાઈ અને ઉમર પ્રમાણે સમતોલ શરીર રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.