શહેરના વાડજ વિસ્તારમાં વર્ષ ૨૦૧૮માં થયેલી હત્યા કેસના આરોપીએ પંચને ધમકી આપી હોવાની ફરિયાદ શાહપુર પોલીસસ્ટેશનમાં નોંધાઇ છે. આરોપીએ ધમકી આપતા કહ્યું કે કોર્ટમાં સાહેદી આપવા જાય તો ફરી જજે નહિ તો જોઇ લઇશ.
શાહપુરમાં મોઢવાડાની પોળમાં રહેતા વિક્કી ઉર્ફે મંગો ચૌહાણ ઘીકાંટા ભરતકામની દુકાનમાં નોકરી કરે છે. ૧૫મી ઓગષ્ટના રોજ તેના મોબાઇલ નંબર પર ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે, હું સંજય બાબુલાલ વ્યાસ બોલુ છું અને તું મારા પર વાડજ પોલીસસ્ટેશનમાં મારા પર જે મર્ડરનો ગુનો દાખલ થયેલો છે તે ગુનામાં તું પંચમાં છે તો તું કોર્ટમાં સાહેદી આપવા જાય તો ફરી જજે.જો તું મારા વિરૂદ્ધ માં સાહેદી આપીશ તો તને જોઇ લઇશ અને જોયા જેવી થશે, અને મારા હાથે તારૂં મોત નક્કી છે. આ પ્રકારની ધમકી મળતા જ વિક્કીએ શાહપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. શાહપુર પોલીસે તપાસ કરતા વર્ષ ૨૦૧૮માં વાડજ વિસ્તારમાં જે હત્યાનો બનાવ બન્યો હતો. તેમાં વિક્કી પંચ તરીકે હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે આરોપી સંજય વ્યાસની શોધખોળ હાથ ધરી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.