બનાસકાંઠામાં શ્રાવણીયો જુગાર રમતા લોકો પર પોલીસ તવાઈ વરસાવી રહી છે. અને અલગ-અલગ ત્રણ જગ્યાએ રેડ કરી ૩ લાખના મુદ્દામાલ સાથે કુલ ૨૪ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ શ્રાવણીયો જુગાર રમતા રસિકોના રંગમાં ભંગ પાડી રહી છે. અલગ-અલગ ત્રણ જગ્યાએ રેડ કરી ત્રણ લાખના મુદ્દામાલ સાથે ૨૪ શખ્સોની અટકાયત કરી છે. જેમાં ગત મોડી રાત્રે ડીસા તાલુકાના મુડેઠા ગામમાં આવેલા એક ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જ ભીલડી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં વિનાજી રાઠોડના ખેતરમાંથી ૨.૬૮ લાખના મુદામાલ સાથે ૧૩ શખ્સોની અટકાયત કરી હતી.
આ સિવાય દિયોદર પોલીસે પણ આજે વહેલી સવારે સેસણ ગામમાં રેડ કરી હતી. જ્યાં તીન પત્તીનો જુગાર રમતા ૭ શખ્સો રંગે હાથ ઝડપાઇ ગયા હતા. અહીંથી પોલીસે કુલ ૧૫ હજારના મુદ્દામાલ સાથે તમામ ૭ શખ્સોની અટકાયત કરી હતી.
આ સિવાય ડીસા શહેર ઉત્તર પોલીસ આજે સવારે પેટ્રોલિંગમાં હતી. તે સમયે બેકરીકુવા વ્હોળા વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાઈ ગયા હતા. જેથી પોલીસે ૧૫ હજારના મુદ્દામાલ સાથે ચારેય શખ્સોની અટકાયત કરી હતી.
આમ બનાસકાંઠા જિલ્લા પોલીસ શ્રાવણ માસમાં શકુનિઓ પર તવાઈ વરસાવી રહી છે. અને અલગ અલગ જગ્યાએ રેડ કરતા અન્ય જુગાર રસિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.