વિજાપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને એક સ્વિફ્ટ ગાડી પસાર થવાની હોવાની બાતમીના આધારે માણસા પોલીસે બિલોદરા ગામના પાટીયા પાસે નાકાબંધી ગોઠવી હતી.
પોલીસને જોતા જ બુટલેગરે ગાડી ભગાવીને બિલોદરા ગામની સીમમાં ગાડી મુકીને ભાગી ગયો હતો.પોલીસે ગાડીમાંથી રૂપિયા ૪૨૮૦૦નો વિદેશી દારૂની ૧૭૬ નંગ બોટલ અને ગાડી સહિત કુલ રૂપિયા ૨.૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિદેશી દારૂનો જથ્થો ભરીને એક સ્વીફ્ટ કાર વિજાપુરથી વિહાર ચોકડીથી માણસા તરફ આવવાની હોવાની બાતમી માણસા પોલીસ સ્ટેશનના એએસઆઇ સુરસંગજી કાનાજીને મળી હતી. બાતમીના આધારે માણસા પોલીસ સ્ટેશનના પી.આઇ.પી.જે.પટેલે સ્ટાફને નાકાબંધી ગોઠવીને વિદેશી દારૂની ખેપ મારતી ગાડીને ઝડપી પાડવા સુચના આપી હતી.
માણસા પોલીસે બિલોદરા પાટીયા પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળા નંબરવાળી સફેદ કલરની સ્વિફ્ટ ગાડી આવતા તેને ઉભી રાખવા પોલીસે ઇશારો કર્યો હતો. જોકે પોલીસને જોતા જ ગાડીના ચાલકે કારને હરણાહોડાના એપ્રોચ રોડ ઉપર ભગાવી હતી. આથી પોલીસે સ્વિફ્ટ ગાડીનો પીછો કરતા ચાલક ગાડીને બિલોદરા ગામની સીમમાં આવેલા ભોલેનાથ ફાર્મ નજીક રોડ ઉપર મુકીને ભાગી ગયો હતો.
સ્વીફ્ટ ગાડીની તપાસ કરીને પોલીસે ગાડીમાં મુકેલો રૂપિયા ૪૨૮૦૦ કિંમતની ૧૭૬ નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઉપરાંત વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડીને જપ્ત લીધી હતી. પોલીસે વિદેશી દારૂ અને સ્વીફ્ટ ગાડી સહિત કુલ રૂપિયા ૨.૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.