જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ હચમચી ઉઠેલા પાકિસ્તાનને ચેતવણી આપતા આજે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, હવે માત્ર પોકના મુદ્દા ઉપર જ વાતચીત થશે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હવે પાકિસ્તાન સાથે જે પણ વાતચીત થશે તે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પોક) ઉપર વાતચીત થશે. સંરક્ષણમંત્રીએ આજે હરિયાણાના કાલકામાં એક જનસભાને સંબોધતા કહ્યું હતું કે, પાકિસ્તાનને આ બાબતનો ભય પહેલાથી જ દેખાઈ રહ્યો હતો. હાલમાં એવા અહેવાલ આવ્યા હતા કે, ઇમરાન ખાન સરકારને એવો ભય છે કે, કલમ ૩૭૦ની નાબૂદી બાદ ભારત હવે પોકમાં બાલાકોટ કરતા પણ મોટી કાર્યવાહી કરી શકે છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, પુલવામામાં અમારા સુરક્ષા જવાનોની સાથે જે કંઇપણ બન્યું ત્યારબાદ ૫૬ ઇંચની છાતી ધરાવનાર અમારા વડાપ્રધાને નિર્ણય કર્યો કે ઇંટનો જવાબ પથ્થરથી આપવાનો સમય છે અને ત્યારબાદ એરફોર્સના અમારા જવાનોએ બાલાકોટમાં જઇને ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન પહેલા કહેતા હતા કે, કંઇપણ થયું નથી. એક પણ વ્યક્તિનું મોત થયું નથી. હવે પોકમાં ઉભા થઇને કહી રહ્યા છે કે, ભારત બાલાકોટ એરસ્ટ્રાઇક કરતા પણ મોટી સ્ટ્રાઇક કરી શકે છે.
આનાથી સ્પષ્ટ છે કે, પાકિસ્તાની વડાપ્રધાન સ્વીકારી ચુક્યા છે કે, બાલાકોટમાં ભારતે ભીષણ હુમલા કર્યા હતા અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની જનઆશીર્વાદ રેલીને લીલીઝંડી આપતા પહેલા રાજનાથસિંહે જનસભાને સંબોધી હતી. પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે કલમ ૩૭૦ની નાબૂૂદી બાદ પડોશી દેશો પૈકી એક દેશ બિનજરૂરીરીતે પરેશાન છે. તેને ઉંઘ આવી રહી નથી. આ દેશ દુનિયાના જુદા જુદા દેશોમાં જઇને બચાવી લેવા માટે રજૂઆત કરે છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, અમે કોઇ અપરાધ કર્યો નથી છતાં પડોશી દેશ દ્વારા રહી રહીને ધમકીઓ આપવામાં આવી રહી છે પરંતુ લોકો જેને દુનિયાના સૌથી શક્તિશાળી દેશ તરીકે ગણવામાં આવે છે તે અમેરિકાએ પણ આ દેશને કહી દીધું છે કે, ભારત સાથે બેસીને વાતચીત કરવાની જરૂર છે. અમારા ત્યાં આવવાની જરૂર નથી. સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે ભારત હવે આક્રમક વલણ અપનાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાની લોકો કહી રહ્યા છે કે, બંને દેશો વચ્ચે વાતચીત થવી જોઇએ. આના જવાબમાં રાજનાથસિંહે કહ્યું હતું કે, કયા મુદ્દા ઉપર વાતચીત થવી જોઇએ. કેમ વાતચીત થવી જોઇએ. કઈ સારી બાબત બની છે જેને લઇને વાતચીત કરવી જોઇએ. રાજનાથે ઉમેર્યું હતું કે, પાકિસ્તાન સાથે એ વખતે જ વાતચીત થશે જ્યારે આતંકવાદને ખતમ કરવામાં આવશે. ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે કોઇ કારણ નથી. આગળ પણ જે વાતચીત થશે તે પાકિસ્તાન કબજા હેઠળના પાકિસ્તાન પર થશે. રાષ્ટ્રીય સ્વાભિમાનના મુદ્દાઓ ઉપર સરકારે કોઇ બાંધછોડ કરી નથી. સમસ્યાઓને અમે પાળી રહ્યા નથી બલ્કે સમસ્યાઓને દૂર કરી રહ્યા છે.