અફઘાનિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી હુમલોઃ ૬૩ લોકોના મોત,૧૮૨થી વધુ ઘાયલ

426

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે મોડી રાત્રે મોટો આત્મઘાતી હુમલો થયો. જેમાં ઓછામાં ઓછા ૬૩ લોકોના મોત થયા છે અને ૧૮૨થી વધુ લોકો ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાના હવાલેથી જણાવ્યું કે, આ વિસ્ફોટ પશ્ચિમ કાબુલના એક વેડિંગ હોલમાં થયો હતો. આ સમારોહમાં એક હજારથી વધારે મહેમાનો હાજર હતા. મૃતકોનો આંકડો હજુ વધી શકે છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય અનુસાર ઘટના શનિવારે રાત્રે સ્થાનિક સમય અનુસાર ૧૦.૪૦ (ભારતીય સમય મુજબ રાત્રે ૧૧.૪૦) કલાકની છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીએ કહ્યું કે, હુમલાની જવાબદારી હજુ કોઈએ સ્વીકારી નથી. એટલે કહી ના શકાય કે ધડાકા પાછળનું કારણ શું છે. આ વિસ્તારમાં અલ્પસંખ્યક શિયા હજારા સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે. નુસરત રહીમીએ કહ્યું કે, હુમલાખોરે સમારોહ દરમિયાન લોકોની વચ્ચે જઈને વિસ્ફોટ કર્યો. આ વિસ્ફોટ લગ્નના સ્ટેજ પાસે થયો જ્યાં મ્યૂઝિશિયન હાજર હતા.

એક પ્રત્યક્ષદર્શીનો દાવો છે કે હુમલામાં ઘણા બાળકોના પણ મોત થયા છે. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, વિસ્ફોટ બાદ વેડિંગ હોલમાં અફરાતફરી મચી હતી અને લોકોની ચીસો સંભળાતી હતી.

અફઘાન અધિકારીઓએ ઓફિશિયલ રીતે મરનારાઓની સંખ્યા જાહેર નથી કરી પરંતુ પ્રવક્તા નુસર રહીમીએ જણાવ્યું કે કાબુલમાં શનિવાર રાત્રે થયેલા હુમલામાં ડઝનબંધ લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. બીજી તરફ, એક પ્રત્યક્ષદર્શી મોહમ્મદ તોફાને જણાવ્યું કે સમારોહમાં એકત્ર તમામ લોકો માર્યા ગયા. વરરાજાના એક સંબંધીએ જણાવ્યું કે લગ્નમાં લગભગ ૧,૨૦૦ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અફઘાનિસ્તાનમાં આ વર્ષે ૨૮ સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અમેરિકા અને તાલીબાન વચ્ચે ચાલી રહેલી ચર્ચાને લઈને હિંસા વધી ગઈ છે. આ બ્લાસ્ટથી અફઘાનિસ્તાનની રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસથી છવાયેલી શાંતિ ફરીથી હણાઈ ગઈ છે. વેડિંગ હોલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાને અફઘાનિસ્તાનમાં આ વર્ષનો સૌથી મોટા હુમલો ગણવામાં આવી રહ્યો છે.

Previous articleભૂતાનના યુવા વૈજ્ઞાનિક ભારત આવીને પોતાના માટે એક નાનો સેટેલાઈટ બનાવશે : વડાપ્રધાન
Next articleબેંકીંગ ક્ષેત્રે ગ્રાહક સૂચનનો અહેવાલ આજે સુપ્રત કરાશે