બુલેટ ટ્રેન : અધિગ્રહણ પ્રક્રિયા ડિસે. સુધી પરિપૂર્ણ કરાશે

465

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી એક લાખ કરોડ રૂપિયાના હાઈસ્પીડ રેલ પ્રોડેક્ટને લઇને હવે કામગીરી આગળ વધી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે સૌથી પડકારરુપ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. અમદાવાદ અને મુંબઇને જોડનાર આ પ્રોજેક્ટને લઇને દેશના લોકોમાં પણ ઉત્સુકતા દેખાઈ રહી છે. બુલેટ ટ્રેનને લઇને જુદા જુદા ક્ષેત્રો અને સંબંધિત વિભાગો આશાવાદી છે. રાજ્ય સરકાર પણ ઝડપથી આગળ વધવા માટે ઇચ્છુક છે. રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ૩૪ ટકા જમીન માટે અધિગ્રહણની કામગીરી પરિપૂર્ણ કરી લેવામાં આવી છે. બાકી ૯૫ ટકા અધિગ્રહણની કામગીરીને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટના પરિણામ સ્વરુપે ૧૬૯૧૨.૨ હેક્ટર જમીનને સીધી અસર થનાર છે. બંને દિશામાં પેસેન્જર ટ્રાફિક ૨૦૨૨ સુધી દરરોજ ૨૫૩૦૦ સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આઠ જિલ્લાઓમાં ૩૪૯ કિલોમીટર વિસ્તારમાં કોરિડોરની લંબાઈ રહેનાર છે. સ્ટેટ વાઈઝ કોરિડોરની લંબાઈની વાત કરવામાં આવે તો દાદરાનગર હવેલીમાં ૪.૩ કિલોમીટર કોરિડોરની લંબાઈ રહેશે જ્યારે મહારાષ્ટ્રમાં ત્રણ જિલ્લાઓમાં ૧૫૬ કિલોમીટરની લંબાઈ રહેશે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં પ્રકાશિત કરવામાં આવેલા વિસ્તારપૂર્વકના અહેવાલથી અનેક બાબતો સ્પષ્ટપણે સપાટી ઉપર આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, આ પ્રોજેક્ટના પરિણામ સ્વરુપે બંને રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકોને આજીવિકા પણ મળશે. આ ઉપરાંત લોકોને ઉંચી કિંમત પણ જમીનની મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ પરિવારોને અસર થનાર છે તેમાં ૨૭૧૬ જેટલા પરિવારનો સમાવેશ થાય છે. ૨૫મી જુલાઈના દિવસે જમીન અધિગ્રહણની મંજુરી અને અન્ય અહેવાલ ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે શેયર કરવામાં આવ્યો હતો જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, બંને રાજ્યો માત્ર એકંદરે જમીનની જરૂરિયાત પૈકી ૩૪ ટકા જમીન જ મેળવી શક્યા છે. હજુ ગુજરાતમાં જમીન અધિગ્રહણ પૈકી ૪૪ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. ગુજરાતના ચીફ સેક્રેટરી જેએમ સિંહે દાવો કર્યો છે કે, જમીન અધિગ્રહણના છેલ્લા તબક્કામાં અમે પહોંચી ચુક્યા છે. અધિગ્રહણની પ્રક્રિયાના કોઇપણ પાસામાં બાંધછોડ કરી રહ્યા નથી. અમને આશા છે કે, ડિસેમ્બર ૨૦૧૯ પહેલા જમીન અધિગ્રહણની પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવશે.

આ પ્રોજેક્ટના કારણે પ્રાઇવેટ સ્ટ્રક્ચરને અસર થઇ છે તે પૈકી ૧૬૮૮ છે. મોટી સંખ્યામાં વૃક્ષોને પણ કાપવામાં આવ્યા છે. ૨૦૧૫ના રેટ મુજબ જમીનનો ખર્ચ ૧૧૧૯૮ કરોડ રૂપિયા છે.

Previous articleબેંકીંગ ક્ષેત્રે ગ્રાહક સૂચનનો અહેવાલ આજે સુપ્રત કરાશે
Next articleહોંગકોંગમાં વિરોધ પ્રદર્શન લીધે હિરા વેપાર પર અસર