તા.રપ-ર-ર૦૧૮ને રવિવારના રોજ કસ્બા અંજુમને ઈસ્લામ-ભાવનગર દ્વારા આયોજીત પ્રથમ સમસ્ત મુસ્લિમ સમાજની સમુહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કસ્બાના પ્રમુખ મહેબુબભાઈ જે. શેખ દ્વારા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોને સમુહ શાદીમાં શિરકત કરવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આમંત્રણને માન આપી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના ૧૦૬ પ્રજ્ઞાચક્ષુ બાળકો અને ૧૭ સહાયકો સાથે દાવતમાં જોડાયા તેમજ આયોજન દરમિયાન પ્રજ્ઞાચક્ષુ બાળકોને દુલ્હા-દુલ્હનને શુભેચ્છા ભેટ પણ આપી હતી. સમુહ શાદીમાં સામેલ ૪૪ નવયુગલો અને તેમના પરિવારે પ્રજ્ઞાચક્ષુ બાળકોને પોતાના નિકાહ સમારોહમાં સામેલ થવા બદલ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. આ કોમી એક્તાના પ્રતિક સમાન પ્રસંગે સંસ્થાના સંચાલક લાભુભાઈ સોનાણીએ દ્વારા નવયુગલોને શુભેચ્છા પાઠવી હતી તેમજ વિસ્તૃત માહિતી આપતા તેઓએ સમગ્ર કસ્બા અંજુમને ઈસ્લામ-ભાવનગરનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સમારંભમાં સમગ્ર મુસ્લિમ બિરાદરીના નવયુગલોએ ભાગ લીધો હોય તેવો આ પ્રથમ બનાવ છે કે, જે સમગ્ર દેશને કોમી એકતાનો સંદેશો પુરો પાડે છે. આ અદ્દભૂત સમારોહ દરમિયાન અંધશાળાના બાળકોને રોકડ પેશગી, પ્રત્યેક બાળકને કપડા રાખવાની બેગ અને સ્ટાફને શાલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી તેમજ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવવા કસ્બા કમિટી દ્વારા સંસ્થાને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યો હતો.