એક ગુજરાતી કહેવત આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ, જે કોઈ મોટા અચિવમેન્ટ માટે ઉપયોગમાં લેવાતી હોય છે. હળીયુ જીતવુ આ કહેવત જીવંત જોવાનો મોકો અને મેઘવદર ગામમાં મળ્યો આવનારા વર્ષનો વરસાદનો વરતારો (ફોરકાસ્ટિંગ ઓફ રેઈન) પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગથી થતો હોય છે. રક્ષાબંધનના દિવસે આ પ્રાકૃતિક ઉત્સવ ઉઝવાતો હોય છે. નવા માટીના માટલા ચાર હોય, જેમાં ચારેય માટલાઓ ઉપર વરસાદના ચારેય માસના નામ લખવામાં આવે છે, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચારેય મહિના ચારેય માટલા ઉપર લખી ગામના બાળકો ( આ સ્પર્ધક બાળકોને બળેવીયા કહેવામાં આવે છે) વહેતી નદીમાં નાહ્યાં બાદ ચારેય માટલાઓમાં નદીનું પાણી ભરી ગામના પાદર સુધી આવે ત્યાં રામજી મંદિરના પુજારી પોતાના હાથમાં નાનું હળ (ખેતી કરવા માટેનું એક ઓઝાર) લઈ ગામના પાદરમાં ઉભા રહે ત્યારે નવું જળ ભરેલા ચારેય માટલાઓ માથા ઉપર લઈને ચારેય બાળકો હળ ફરતી પ્રદક્ષિતા કરે, ત્યાર બાદ ચારેય માટલાઓમાંથી બહાર નિતરતા પાણીને જોઈ પુજારી આવનારા વર્ષના વરસાદના ચારેય મહિનાઓની આગાહી કરી એ માટલાઓને હળ પર ફોડી નાખે છે અને એ માટલાના કાંઠા લોકો પોતાના ધાન ભરવાની કોઠીમાં રાખે છે. (માન્યતા મુજબ એ કાંઠા કોઠીમાં રાખવાથી ધાન સડતું નથી) ત્યાર બાદએ બાળકોે થોડે દુર થઈ ત્યાંથી દોડતા આવે છે. એ દોડમાં પહેલો આવેલ બાળક હળને જીતી જાય છે, એટલે એ હળીયું જીતી આવ્યો ગણાય. આ કહેવતની પાછળનું સુત્ર આજે તાદ્રશ્ય મને જોવા મળ્યું. આ પ્રાકૃતિક ઉત્સવ છે. આમ તો આની સાથે સાથે શારીરિક તંદુરસ્તી પણ જળવાઈ રહે એ વાત પણ ખરી, હજીયે કયાંક – કયાંક ગામડાઓ સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલા છે. એ જોઈને આનંદ અનુભવાય છે.