ભાવનગર મહાનગર પાલિકા દ્વારા નિર્મિત અદ્યતન સુવિધાથી સજ્જ મલ્ટીલેવલ પાર્કિંગ નું લોકાર્પણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું.
શહેરના ગીચ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુથી ગંગાજળિયા તળાવ, એલ.આઇ.સી ઓફિસની પાછળની જગ્યામાં પે એન્ડ પાર્ક મલ્ટીલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ સહિત ના બે માળ ના અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે જે આજરોજ મંત્રીશ્રી દ્વારા જાહેર જનતાના લાભાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ અદ્યતન મલ્ટી લેવલ પાર્કિંગ ૪,૩૩,૪૮,૭૦૧ ના ખર્ચે નિર્માણ પામ્યું છે જેમાં ટુ વ્હીલર થ્રી વીલર તેમજ કારના પાર્કિંગની સુવિધા ઉભી કરાઇ છે. આ માટે ટુ વ્હીલર માટે ૦ થી ૩ કલાકના રૂપિયા ૫ ,થ્રી વિલર માટે રૂપિયા ૧૦ તેમજ કાર માટે રૂપિયા ૨૦, ૩ થી ૬ કલાક માટે અનુક્રમે રૂપિયા ૧૦, ૧૫, ૨૫, ૬ થી ૧૨ કલાક માટે અનુક્રમે ૧૫, ૨૦, ૩૫ તેમજ ૧૨ થી ૨૪ કલાક માટે અનુક્રમે ૨૦, ૩૦, ૪૦ રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે મંત્રીએ ભાવનગર શહેરના વિકાસ માટે ભાવનગર મહાનગરપાલિકાને ૮૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. તેમજ સરકારની વ્હાલી દીકરી વગેરે જેવી વિવિધ યોજનાઓની ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી.અને ૩૭૦ કલમ હટાવવાના સરકારના લોકાભિમુખ અભિગમને બિરદાવ્યો હતો.વહીવટી તંત્ર દ્વારા ગુજરાતભરમાં સૌ પ્રથમ વિધવા સહાય આપવામાં કરેલ ઉત્તમ કામગીરીની પણ આ તકે મંત્રીએ પ્રશંસા કરી હતી . આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, ભાવનગર મહાનગરપાલિકા ના મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, શાશક પક્ષનાં નેતા પરેશ પંડ્યા, મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી, તેમજ સીટી એન્જિનિયર ચંદારાણા ઉપસ્થિત રહ્યા હતા.